
સુરત, 24 માર્ચ (હિ.સ.): સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. માત્ર 52 દિવસના ગાળામાં બીજીવાર આગ ભભૂકતાં આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. આગના કારણે ઊભા થયેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડી રહ્યા છે, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ વધી ગયું છે.
બપોરે અચાનક શરૂ થયેલી આ આગ થોડી જ વારમાં વિકરાળ બની ગઈ હતી. વેસુ, વીઆઈપી રોડ અને અલથાણ વિસ્તારમાં રહેતા લોકો રસ્તા પરથી જ ધુમાડો જોઈ શક્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમો સતત પ્રયાસ કરી રહી છે અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે જહેમત ઉઠાવી રહી છે.
આ પહેલાં પણ આવી આગને કાબૂમાં લેવા ચાર દિવસ લાગ્યા હતા, જેના કારણે કચરાના સંચાલન અંગે સવાલો ઊભા થયા હતા. હવે ફરી આવી ઘટના બનતા પાલિકા તંત્રની કામગીરી સામે આંગળી ઉઠી રહી છે અને ગેરરીતિઓ અથવા બેદરકારીને લઈને ચર્ચાઓ ફરી તેજ બનવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે