
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમી વચ્ચે અબોલ પક્ષીઓ માટે સહાનુભૂતિનો અનોખો ઉપક્રમ બહુચરાજીમાં જોવા મળ્યો હતો. માનવતાવાદી સંસ્થા ‘સદારામ બ્લડ સેવા સમિતિ’ દ્વારા પક્ષીઓને રાહત મળે તે હેતુથી વિશાળ પ્રમાણમાં માળા, પાણીના કુંડા અને ચણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આયોજન અંતર્ગત કુલ 5000 પાણીના કુંડા પક્ષીઓની તરસ શાંત કરવા માટે વિતરણ કરાયા હતા, જ્યારે 5000 માળા પક્ષીઓને સુરક્ષિત આશરો મળે તે માટે આપવામાં આવ્યા. સાથે સાથે ઉનાળામાં ખોરાકની તંગી ન સર્જાય તે માટે 5000 પક્ષીઓ માટે ચણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરોની હાજરી નોંધપાત્ર રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને વખાણી હતી અને પર્યાવરણ સંરક્ષણ માટે આવી પ્રવૃત્તિઓને સમયની જરૂરિયાત ગણાવી હતી.
આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય છે. સદારામ બ્લડ સેવા સમિતિનો આ પ્રયાસ અબોલ જીવો પ્રત્યેની સંવેદના અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR