
અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) વિધાનસભામાં UCC બિલ રજૂ થતા જ અમદાવાદમાં વિરોધ,લાલ દરવાજા વિસ્તારમાં SDPI બાદ AIMIMનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ થતા કાર્યકર્તાઓની અટકાયત. 24 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદમાં AIMIM પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના લાલ દરવાજા ખાતે આવેલી લકી હોટલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામ લોકોને પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડી દઈ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.
મહિલા અને પુરૂષ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ વિરોધ કરતા કહ્યું હતું કે, આ એક સંવિધાનની વિરૂદ્ધનું કામ છે. અમે આને લાગુ થવા નહીં દઈએ. જોકે, AIMIM પાર્ટીના પ્રમુખ સાબીર કાબલીવાલા, કોર્પોરેટર જેનબબીબી સહિતના કોર્પોરેટરો અને મહિલા તેમજ પુરુષ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
જોકે, ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થવાના ગણતરીના કલાકો પહેલા લાલ દરવાજા વિસ્તારમાં SDPI પાર્ટી દ્વારા UCC બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓની અટકાયત કરાઈ હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, આ ગેર સંવિધાનિક છે અને સરકારનું કામ સેવા કરવાનું છે, પરંતુ આ બિલ જબરજસ્તી તેઓ દ્વારા નાખવામાં આવ્યું છે.
વિરોધ કરનારા મહિલાઓએ પણ જણાવ્યું હતું કે, આ જે બિલ લાગુ કરવામાં આવી રહ્યું છે તે ગેર સંવિધાનિક છે. સંવિધાન મુજબ બિલ બનાવવું જોઈએ. UCC બિલથી દરેક નાગરિકને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મહિલાને આનાથી કોઈ ફાયદો નથી. ફ્રેન્ડશીપમાં જે લાગુ કરવામાં આવી રહ્યું છે તે મહિલા માટે સારું નથી. બીજાના છોકરાને લઈને આવે તેને સમાન હક આપવાની વાત છે. સંવિધાન મુજબ બિલ હોવું જરૂરી છે. આ બિલ એકદમ ગેરકાનૂની છે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સરકાર આમાં તાનાશાહી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ