
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજપુરા ગામની સીમમાં આવેલ ખરાબામાંથી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે PSI બી.ડી. વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર પહોંચી હતી. પંચોની હાજરીમાં રેડ કરતા આરોપી જુમાભાઈ રણમલભાઈ હર્યાભાઈ (ઉંમર 26), મૂળ અમરાપુર, હાલ મહેસાણા ખાતે રહેતા, તેમની પાસેથી એક નાળીવાળી દેશી બનાવટની બંદુક જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલ હથિયારની કિંમત અંદાજે ₹7000 હોવાનું જણાવાયું છે.
આ કામગીરી દરમિયાન ASI ડાહ્યાભાઈ ગણેશભાઈ, UHC હેમેન્દ્રસિંહ, મુકેશકુમાર તેમજ અન્ય પોલીસ સ્ટાફ પણ જોડાયા હતા. આરોપી પાસે કોઈ પણ પ્રકારનો પરમિટ ન હોવાથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. હાલ આરોપી વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR