
ગાંધીનગર,24 માર્ચ (હિ.સ.) ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન આજે એક મહત્વપૂર્ણ કાનૂની પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) લાગુ કરવાની દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને સર્વગ્રાહી ચર્ચા માટે ગૃહ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરાયું છે, જેમાં ભાગ 1 અને ભાગ બેમાં કુલ 7 પ્રકરણમાં વિસ્તૃત માહિતી અને નિયમો દર્શાવાયા છે. જે આજે વિધાનસભામાં પસાર થયા બાદ કાયદો બનશે અને બાદમાં ગુજરાતના તમામ નાગરીકોને આ કાયદો અનુસરવાનો રહેશે.
આ બિલ પાછળની પ્રક્રિયા પર નજર કરીએ તો, ગુજરાતમાં UCCના અમલ માટે રચાયેલી જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ પોતાનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અહેવાલને મંજૂરી આપવામાં આવી હતી. આ જ અહેવાલના આધારે આજે વિધાનસભામાં વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું છે. આજે મુખ્યમંત્રીએ ગૃહમાં બિલ રજૂ કર્યું છે.
ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરવા જઈ રહ્યા છે, જે રાજ્યમાં સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. દેશને આઝાદી મળ્યા પછી પણ વ્યક્તિગત કાયદાઓ સમાજ અને ધર્મના આધારે અલગ-અલગ રહ્યા હતા, જેના કારણે સૌથી વધુ નુકસાન બહેનો અને દીકરીઓને સહન કરવું પડ્યું હતું.
હવે UCC દ્વારા લગ્ન, વારસાગત અને અન્ય નાગરિક મુદ્દાઓમાં બધા માટે સમાન નિયમો લાગુ થશે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી અને આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે.
વડાપ્રધાનના વિઝન મુજબ UCC અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. સાથે જ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખીને આ બિલને સમર્થન આપશે.
18 માર્ચે કેબિનેટમાં ચર્ચાયેલા UCCના ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
સમાન વારસા હકમાં બિન-વસીયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. જ્યારે વારસાઇમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો રહેશે.
UCC બિલ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ગૃહમાં નિવેદન આપ્યું કે, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે સરકારને UCC કેમ યાદ આવે છે?સમિતિમાં દરેક ધર્મના આગેવાનોને કેમ ના જોડ્યા? એક લાખ વાંધા સૂચનો આપવામાં આવ્યા હતા. કમિટી 2025 ફેબ્રુઆરીમાં બની હતી અને 17 માર્ચે UCC કમિટીનો રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો હતો. હવે ચૂંટણીઓના પગલે સરકાર આ UCC બિલ ગૃહમાં લાવી છે. સરકાર આ બિલ લાવવવામાં કેમ ઉતાવળ કરે છે?
આ રિપોર્ટ લાવતા પહેલા સારા સૂચનો માંગવા જોઈતા હતા. કોઈની લાગણી ના દુભાય તેવો કાયદો બનાવવો જોઈએ. કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. ઉતાવળે બિલ લાવવાથી ચૂંટણીઓમાં લાભ લેવા આ બિલ અત્યારે લાવ્યા હોય તેવી શંકા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં UCC બિલ રજૂ થઈ રહ્યું છે. સમાનતા ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું. દેશની આપણી સંસ્કૃતિ કુટુંબ ભાવના શીખવે છે. મુખ્યમંત્રીના ગૃહમાં ચાલતા નિવેદન થી ભાજપના સભ્યો પાટલી થપથપાવી વધાવ્યું છે.
સમાન નાગરિક સંહિતા લાગુ કરવા ગૃહમાં આ બિલ લાવવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોને સમાન ન્યાય આપતું આ બિલ છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે.
આ બિલ માં મહિલા સન્માન સાથે સમાન અધિકાર અને મહિલાઓના હક્ક મળશે.
જાતિ ભેદ ના થાય તે માટે સરકાર સતર્ક છે. લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન, છૂટાછેડાના સમાન નિયમો, દંડ સાથે કેટલીક મહત્વની જોગવાઈ રહેશે. લગ્ન નોંધણી નહીં કરનારને દંડ થાય તેવી જોગવાઈ છે. રાજ્યના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો આવશે.
લગ્ન નોંધણી નહીં કરનારા સામે 10 હજાર દંડ, એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા છે. કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહાર છૂટાછેડામાં સજા પાત્ર રહેશે.
લિવ ઇન રિલેશન માટે 3 મહિનામાં નોંધણી ફરજિયાત છે.લિવ ઇન રિલેશન કાનૂની સુરક્ષા માટે છે.આવા કેસમાં છેતરપિંડી કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. દરેક સમાજ અને ધર્મ માટે છૂટાછેડાના સમાન નિયમો લાગુ થશે.
મુખ્યમંત્રી એ ગૃહ માં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જય શ્રી રામ ના નારા લાગ્યા
મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કર્યું છે. આ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામ ના નારા લાગ્યા હતા.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે આજે મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા બિલ લઈને આવવામાં આવી રહ્યું છે, ત્યારે અગાઉની જેમ અમે આજે પણ આ બિલનો વિરોધ કરીએ છીએ. આ બિલમાંથી આદિવાસી સમાજની બાદબાકી કરવામાં આવી છે, એવું અમને જણાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ અમને ભીતિ છે કે હાલમાં ચૂંટણી છે માટે આદિવાસી સમાજને સમાવવામાં આવ્યો નથી. પરંતુ આવનાર દિવસોમાં ચોક્કસ સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે.
આજથી એક વર્ષ પહેલા સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય ધાર્મિક સહિત તમામ પ્રકારના આગેવાનોના અભિપ્રાય લેવા માટે આવી હતી ત્યારે ગુજરાતમાં 80% લોકોએ આનો વિરોધ નોંધાવ્યો છે. માટે અમારું માનવું છે કે લોકમતના વિરુદ્ધમાં જઈને આ બિલ લાવવામાં આવી રહ્યું છે માટે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ.
વિધાનસભામાં UCC મુદ્દે ગરમાગરમી વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દલીલો જોવા મળી, જેમાં અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ પર ચર્ચાથી ભાગવાના આક્ષેપ કર્યા અને સભ્યોને બહાર જવા સુધીની ટિપ્પણી કરી. બીજી તરફ, કોંગ્રેસના અમિત ચાવડાએ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ માટે લાઈનો લાગતી હોવાનો મુદ્દો ઉઠાવી સરકાર પર અંધાધૂંધી ફેલાવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ગૃહમાં ભારે હોબાળો મચતા સત્ર તંગ બન્યું હતું.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગીનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો.
અમિત ચાવડાએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી કરતા સભ્યો વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થયો.
છૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.
લિવ-ઈન રિલેશનશિપને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. આવા સંબંધમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તમામ હકો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો જેલ તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ-ન્યાયી બનાવાશે મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે.
વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય.
અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટ જો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે.
સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
આ બિલ રજૂ થતાં જ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. એક તરફ સરકાર તેને સમાનતા અને આધુનિક કાનૂની વ્યવસ્થા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ આ મુદ્દે વધુ ચર્ચા અને સ્પષ્ટતા માગી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ