
સુરત, 26 માર્ચ (હિ.સ.): ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પીપલોદ પોલીસ લાઈન ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ રૂ. 116 કરોડના ખર્ચે પોલીસ ક્વાર્ટર્સ, હોર્સ રાઈડીંગ સ્કુલ, લાઇબ્રેરી, પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સના મકાનો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રીએ સુરત શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ માટે પીપલોદ પોલીસ લાઈન ખાતે રૂ. 55.53 કરોડના ખર્ચે કક્ષા બી/192 ક્વાર્ટર્સ, હોર્સ રાઈડીંગ સ્કુલ, લાઇબ્રેરી, રાંદેર પોલીસ લાઈન ખાતે રૂ. 7.30 કરોડના ખર્ચે કક્ષા-બી ૪૦ ક્વાટર્સ, ભેસ્તાન ખાતે રૂ. 5.22 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન અને મદદનીશ પોલીસ કમિશનર ‘J’ ડિવીઝન ઓફિસ, હજીરા ખાતે રૂ. 43 કરોડના ખર્ચે સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સના રહેણાક મકાનો તથા બિન રહેણાક મકાનો, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.3.69 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને લાજપોર જેલમાં રૂ.1.16 કરોડના ખર્ચે કિચનર્સ બેરેકના બાધકામનું ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ પરિવારજનો માટે આવાસ અને પોલીસ પરિવારોના બાળકો અને સભ્યો માટે ક્વાર્ટર્સના સંકુલમાં જ લાઇબ્રેરી તેમજ આંગણવાડી જેવી ઉત્તમ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. પોલીસ આવાસો એ પોલીસ કર્મચારીઓનો આવાસીય હક છે, પરંતુ તેની જાળવણી કરવી એ પણ નૈતિક જવાબદારી છે. આ નવા આવાસો પોલીસ પરિવારોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્ય સરકારે રાજ્યના કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20 હજારથી વધુ મકાનો બનાવવાનો નિર્ણય કર્યો છે. આવનાર સમયમાં રાજ્ય સરકાર પોલીસ આવાસો માટે રાજ્યભરમાં એક સમાન 'ફ્લેટ એલોટમેન્ટ સ્કીમ' અમલમાં મૂકવા જઈ રહી છે. આ સ્કીમ મુજબ જે પોલીસ કર્મચારીની અરજી વહેલી હશે તેને પ્રાથમિકતાના ધોરણે પારદર્શક રીતે આવાસની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
સુરત પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીની સરાહના કરી સંઘવીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા પોલીસ પરિવારોને વધુ સારું અને સુવિધાયુક્ત જીવન આપવા માટે કટિબદ્ધ છે. આ આવાસોને માત્ર 'સરકારી મકાન' ન ગણતા તેને પોતાનું 'સપનાનું ઘર' સમજીને ઘરમાં પ્રવેશતી વખતે પરિસરમાં સ્વચ્છતા જાળવવા સાથે સંકુલને સુંદર રાખવાનો સંકલ્પ લેવા બહેનોને ખાસ અનુરોધ કર્યો હતો.
આ અવસરે કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, પીપલોદ જેવા પોશ વિસ્તારમાં પોલીસ કર્મીઓ માટે અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતા આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ માત્ર સરકારી આવાસ પર નિર્ભર ન રહેતા પોતાના માલિકીના ઘર મેળવે તે માટે ભાડાની રકમમાંથી 'પોતાના ઘર'નું આયોજન જેવા સકારાત્મક મોડેલ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બોર્ડરનું રક્ષણ કરતા સૈનિકો અને આંતરિક સુરક્ષા કરતા પોલીસ જવાનો બંને 'ખાખી' પહેરે છે. પોલીસ જવાનો ઉત્તરોત્તર શ્રેષ્ઠ કામગીરી નિભાવી લોકોના હૃદય સ્થાન જાળવી રાખે તે જરૂરી છે. સમગ્ર રાજ્યના અંદાજે છ કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસ કર્મચારીઓના શિરે છે. રાજ્યમાં વધુ માનવબળની જરૂરિયાત હોવા છતાં પોલીસ જે રીતે સાર્થક કામગીરી કરે છે તેમાં વધુ 'ફાઈન ટ્યુનિંગ' સાથે ફરજ નિભાવવા અનુરોધ કર્યો હતો.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે, પીપલોદ પોલીસ લાઈન ખાતે બેઝમેન્ટ પાર્કિંગ, ગેસ લાઇન, લાઈબ્રેરી, આંગણવાડી સહિતની સુવિધા સાથેના પોલીસ આવાસો પોલીસ પરિવારોને કામના ભારણ વચ્ચે આરામદાયક જીવનનો અનુભવ કરાવશે. ખાસ માઉન્ટેડ રાઇડિંગ ક્લબ ઉપરાંત પોલીસ લાઇનના બાળકો વધુમાં વધુ ભણીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે કેમ્પસમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં વેલ્ફેર એક્ટિવિટીઝ હેઠળ લગ્ન, મેડિકલ સારવાર, અભ્યાસ કે મકાન રિપેરીંગ માટે ૫૦ હજારથી પાંચ લાખ સુધીની લોન આપવામાં આવશે. એમ જણાવી દરિયાઈ સુરક્ષા માટે હજીરામાં મરીન ટાસ્ક ફોર્સ યુનિટ માટે કોન્સ્ટેબલના 48 ક્વાર્ટર, એએસઆઇના 8 ક્વાર્ટર, પીઆઇ માટે 4 ક્વાર્ટર અને ઇન્ચાર્જ માટે એક બંગલાનું લોકાર્પણ જેવા પ્રકલ્પોની ભેટ આપવા બદલ નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહાનુભાવોના હસ્તે પોલીસ કર્મચારીઓને આવાસની ચાવી તેમજ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, અધિક પોલીસ કમિશનર (સેક્ટર -1) બલરામ મીણા, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-2) મહેન્દ્ર બગડીયા, અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) એસ.વી. પરમાર, અધિક પોલીસ અધિક (ક્રાઈમ) કરણરાજ વાઘેલા, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, પોલીસ અધિકારી-કર્મચારીઓ સહિત પોલીસ પરિવારજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે