

મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં શોભાસણ રોડ પર ઝડપથી વિકસતી સોસાયટીઓની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મીમ રેસિડેન્સી સામે 250 mm વ્યાસ અને 330 મીટર ઊંડાઈના નવા ટ્યુબવેલના નિર્માણ માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, પૂર્વ કાઉન્સિલરો અને પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને જરૂરીયાતો અંગે ચર્ચા પણ કરવામાં આવી.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિસ્તારમાં રહેતા લોકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. વધતી વસતિને કારણે પાણીની સમસ્યા ઉભી થઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખીને આ ટ્યુબવેલ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે શહેર પ્રમુખ કિરણસિંહ રાણા અને શહેર મહામંત્રી દિપકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આ પહેલને આવકારવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે શહેરના દરેક વિસ્તારમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR