

મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામમાં છેલ્લા 72 વર્ષથી ચૈત્રી નવરાત્રીની અનોખી પરંપરા ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે. વર્ષ 1954માં પટેલ રણછોડદાસ ખોડીદાસ દ્વારા શરૂ કરાયેલ આ પરંપરા આજે પણ અવિરત રીતે ચાલુ છે. ગામના વડીલો મુજબ, દૈવી સંકેત મળ્યા બાદ આ નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી.
દર વર્ષે ચૈત્ર સુદ એકમથી નવ દિવસ સુધી અંબાજી ચોકમાં માતાજીની વિધિવત્ સ્થાપના કરી પૂજા-અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ગામના લોકો સાદા રાસ અને ગરબાના તાલે માતાજીની આરાધના કરે છે, જેમાં બહેનો અને દીકરીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. નવરાત્રીના આઠમા દિવસે હવન યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજરી આપે છે.
ખાસ વાત એ છે કે ચૈત્રી નવરાત્રી સામાન્ય રીતે શાંતિપૂર્વક ઉજવાતી હોય છે, પરંતુ મેડા આદરજ ગામમાં તેને વિશેષ ઉત્સાહ અને પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. સમગ્ર આયોજનમાં ગ્રામજનો અને પટેલ પરિવારના સભ્યો સક્રિય ભૂમિકા ભજવે છે.
આ પરંપરા ગામની આસ્થા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક બની રહી છે અને આજેય ભક્તિપૂર્ણ માહોલમાં ઉજવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR