
સુરત, 26 માર્ચ (હિ.સ.): રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરતના પુણા વિસ્તારની મુલાકાત લઈ જનહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને પ્રગતિ હેઠળના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતની શરૂઆતમાં તેમણે અશોક વાટિકા પાસે નિર્માણાધિન બોક્ષ ખાડીની મુલાકાત લઈ સ્વચ્છતા અને જાળવણીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
શિક્ષણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવતા મંત્રીએ પુણા ગામના માનસરોવર સોસાયટી ખાતે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી નવી આંગણવાડીનું રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, બાળકોને પાયાનું શિક્ષણ અને પોષણ આપવા માટે રાજ્ય સરકાર આધુનિક સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. વધુમાં, તેમણે પુણા વિસ્તારમાં નિર્માણ પામી રહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. આ નિર્માણ કાર્યમાં ગુણવત્તા સાથે તેને સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આરોગ્ય ક્ષેત્રે સુરતની સેવાઓને વધુ મજબૂત કરવાના હેતુથી મંત્રીએ યોગી ચોક (બી.આર.ટી.એસ.) ખાતે નિર્માણાધિન સુરત મહાનગરપાલિકાની 50 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલની કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ક્ષેત્રે બનનારા વિવિધ વિભાગો બાબતે નિરીક્ષણ કરી તેમણે દર્દીઓને મળનારી વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી હતી. આવનારા સમયમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવાની પ્રતિબધ્ધત્તા વ્યક્ત કરી હતી. 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને દોહરાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો દરેક નાગરિકને ઘરઆંગણે મળે તે સરકારની પ્રાથમિકતા છે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે