
સુરત, 26 માર્ચ (હિ.સ.): સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવતીકાલ તા:27/3/2026ના રોજ સવારે 10:00 વાગ્યે અસ્તાન રોડ પર આવેલા રેલ્વે ક્રોસિંગ (એલ.સી. નં.-25) ઉપર રૂ.28.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ્વે ઓવરબ્રિજનું નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ થશે. આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય સર્વ ગણપતભાઈ વસાવા, મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ હળપતિ, સંદિપભાઈ દેસાઈ, મોહનભાઈ ઢોડિયા ઉપસ્થિત રહેશે.
વહીવટી તંત્રના અધિકારીઓમાં સુરત કલેક્ટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મતિ શિવાની ગોયલ અને પ્રાદેશિક કમિશનર એસ. ડી. વસાવા પણ ઉપસ્થિત રહેશે. આ બ્રિજનુ લોકાર્પણ થવાથી આ રસ્તા પર રેલ્વે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. જેનો લાભ બારડોલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો વાહનચાલકોને મળશે.
આ ઉપરાંત બપોરે 11:00 વાગે બારડોલી તાલુકા પંચાયતની કચેરી ખાતે નાણામંત્રીના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે