
સુરત, 27 માર્ચ (હિ.સ.) : સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી એક મદ્રેસામાં થયેલી ચોરી અને આગજનીની ઘટનાનો પોલીસે ઝડપી ઉકેલ લાવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મદ્રેસામાં સાફ-સફાઈ કરવા આવતો અબ્દુલ સમદ જ આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અબ્દુલ સમદ અગાઉ ભંગારના ગોડાઉનમાં કામ કરતો હતો અને હાલમાં અત્તર અને ટોપી વેચીને જીવન નિર્વાહ કરતો હતો. તે મદ્રેસામાં સેવા ભાવથી આવતા જતા હોવાથી ઓફિસના વ્યવહાર અને અંદરની માહિતી મેળવી લીધી હતી. તેને ખબર પડી કે ઓફિસમાં દાનરૂપે મળેલી મોટી રકમ રાખવામાં આવે છે, જે તેના માટે લાલચનું કારણ બની.
ઘટનાના દિવસે વહેલી સવારે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરી મદ્રેસામાં પ્રવેશ કર્યો હતો. ઓફિસનું તાળું તોડી તેણે આશરે 7.50 લાખ રૂપિયા અને મોબાઇલ સહિત કુલ 8.45 લાખની ચોરી કરી. પરંતુ પોતાની ચાલ-ઢાળના કારણે તે સીસીટીવીમાં ઓળખાઈ ગયો, જેના આધારે પોલીસે તેને શોધી કાઢ્યો.
ચોરી પછી પકડાઈ જવાની ભીતિથી તેણે ઓફિસમાં આગ લગાવી દસ્તાવેજો અને સીસીટીવી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં મદ્રેસાના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને સામાન બળી ગયા હતા. પૂછપરછ દરમિયાન શરૂઆતમાં તેણે ભુલાવવા પ્રયત્ન કર્યો, પરંતુ પૂરતા પુરાવા સામે આવ્યા બાદ તેણે ગુનો કબૂલ કર્યો અને દેવાની સમસ્યા તથા લાલચને કારણ તરીકે જણાવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે