કિશોરીઓના આરોગ્ય અને પોષણ શિક્ષણ માટે પારડી આઈસીડીએસ દ્વારા પરિયા ખાતે કિશોરી મેળો યોજાયો
વલસાડ, 27 માર્ચ (હિ.સ.): રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ. દ્વારા કાર્યરત 15 થી 18 વર્ષની કિશોરીઓના આરોગ્ય, પોષણ શિક્ષણ, કૌશલ્ય વર્ધન અને કુપોષણ નિવારણ માટેની પૂર્ણા યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાની આઈ.સી.ડી.એસ. શાખા
Valsad


વલસાડ, 27 માર્ચ (હિ.સ.): રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ. દ્વારા કાર્યરત 15 થી 18 વર્ષની કિશોરીઓના આરોગ્ય, પોષણ શિક્ષણ, કૌશલ્ય વર્ધન અને કુપોષણ નિવારણ માટેની પૂર્ણા યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાની આઈ.સી.ડી.એસ. શાખા પારડી 1 અને 2 ના સંયુક્ત ઉપક્રમે પરીયા ગ્રામ પંચાયત હોલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિશોરી મેળામાં હાજર કિશોરીઓ, વાલીઓ અને આંગણવાડી કાર્યકરોને આંગણવાડીમાં નિયમિત આવવાના લાભ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, THRનો ઉપયોગ, શિક્ષણનું મહત્વ, ITI અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ચાલતા વિવિધ કોર્ષ, ઓપન સ્કુલ, સલામતી, સુરક્ષા, સશક્તિકરણ, બાળકો- કિશોરીઓ- મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અને યોજનાઓ, એનીમિયા નિવારણ માટે લેવાના પગલાં, ઘરેલું હિંસા, સાઈબર ફ્રોડ, દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ દુર કરવા, સ્વ બચાવ, હેલ્પ લાઈન નંબર જેવા મુખ્ય વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં આવેલી કિશોરીઓનું વજન- ઉંચાઈ, BMI તેમજ હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી તેમજ અલગ અલગ ગામોની કિશોરીઓ દ્વારા પૂર્ણા શક્તિના ઉપયોગથી બનાવાયેલી વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના કૉ-ઓર્ડીનેટર જિજ્ઞેશભાઇ, ITI પારડીમાંથી ઇન્સ્ટ્રક્ટર જિજ્ઞેશભાઇ, બાળ સુરક્ષા એકમમાંથી મતી સરલાબેન, મેડીકલ ઓફિસર ડો. વિરલ ગરાસીયા, એડોલેસન્ટ કાઉન્સેલર ભાવનાબેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિ વકીલ મતી નેહાબેન દેસાઈ, પરીયા ગામના શિક્ષિકા મતી સ્તુતિબેન, આઈ.સી.ડી.એસ. પારડીના બાળ વિકાસ યોજના અધિકારી મતી રીટાબેન પટેલ અને મતી દિપીકાબેન પટેલ એમ અલગ અલગ 8 વિભાગોમાંથી આવેલા અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં પારડી તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલી 105 કિશોરીઓ, 50 આંગણવાડી કાર્યકરો, 29 વાલીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ આઈસીડીએસ પારડીનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે 12 ટકાથી વધુ HB ધરાવતી 1 કિશોરી અને અને વાનગી સ્પર્ધાના 3 વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 50 કિશોરીઓને હાઇજીન કીટ આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો અને પારડી આઈસીડીએસ સ્ટાફની સહભાગીદારીથી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande