
જામનગર, 27 માર્ચ (હિ.સ.) :
જામનગર શહેરમાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતી યુવતી પર ખોટી શંકાઓ કરીને છરી વડે શખસે હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના પટેલ કોલોની, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રહેતી ક્રીષ્નાબેન નામની યુવતી દોઢેક માસથી આરોપી વિજયભાઈ કરશનભાઈ કુકડીયા સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા.
આ દરમિયાન આરોપી વિજયએ યુવતી ઉપર ખોટી શંકાઓ કરીને ગત તા.23ના રોજ અપશબ્દો બોલીને પટ્ટા, ધોકા વડે માર માર્યો હતો. એકદમ ઉશ્કેરાઈ જઈને સાંજના સમયે ફરી છરી વડે હુમલો કર્યો હતો. યુવતીના સાથળના ભાગે તેમજ માથાના ભાગે મુંઢ ઈજા પહોંચાડી હતી, અને ઘરમાંથી કાઢી મુકી હતી. ઈજાગ્રસ્ત યુવતીએ ઘરની બહાર નિકળતા જોર જોરથી રડતી હોવાથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.
યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ યુવતીએ આરોપી વિજય કુકડીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી રિક્ષાચાલકની ધરપકડ માટે સઘન શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt