
નવસારી, 27 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કાર્યરત શુગર મિલમાં સંભવિત ઔદ્યોગિક દુર્ઘટનાઓ સામે વહીવટી તંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસવા માટે એક મેગા 'ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રિલ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા ગણદેવી શુગર મિલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. જેમાં જિલ્લાના તમામ મહત્વના વિભાગોએ સંકલિત રહીને કામગીરી બજાવી હતી.
મોક ડ્રિલના આયોજન મુજબ, મિલના પરિસરમાં ઇથેનોલ ભરેલા ટેન્કરમાં લીકેજ થવાને કારણે અચાનક આગ લાગવાની ઘટના સર્જાતા અફડાતફડી મચી હતી. પ્રાથમિક તબક્કે મિલના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની તીવ્રતા વધતા સાઇટ મેઇન કંટ્રોલર દ્વારા તુરંત 'ઓફસાઇટ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી હતી. આ અંગેની જાણ તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઇથેનોલની આગ હોવાથી ફાયર ટીમ દ્વારા ખાસ 'ફોમ' અને 'હાઇડ્રન્ટ સિસ્ટમ'નો ઉપયોગ કરી અત્યંત ત્વરાથી આગને નિયંત્રણમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત થયેલા 6 જેટલા વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાનું સફળ નિદર્શન કરવામાં આવ્યું હતું. ડ્રિલ બાદ સુરક્ષા વ્યવસ્થાના મૂલ્યાંકન દરમિયાન કામદારોનું સુરક્ષિત ઇવેક્યુએશન (સ્થળાંતર) અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મેગા ડ્રિલના અંતે કોમ્યુનિકેશન સિસ્ટમમાં વધુ સુધારો કરવા, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) ખાસ કરીને SCBA (સેલ્ફ કન્ટેન્ડ બ્રીધિંગ એપરેટસ)નો મહત્તમ ઉપયોગ કરવા તથા ઇમરજન્સી માર્ગોને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં કોઈ પણ આકસ્મિક ઔદ્યોગિક હોનારત સમયે જાન-માલનું નુકસાન અટકાવી શકાય અને ઓછામાં ઓછા સમયમાં પ્રતિસાદ આપી શકાય તે હેતુસર આ મોક ડ્રિલ અત્યંત પ્રેરણાદાયી સાબિત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે