
જામનગર, 29 માર્ચ (હિ.સ.) : જામનગર શહેરને હરિયાળું બનાવી રાખવા માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 15 જેટલા ગાર્ડન બનાવાયા છે, અને તેમાં જુદા જુદા ફૂલ ઝાડના રોપા વગેરે વાવીને ગ્રીનરી ઊભી કરવામાં આવી છે, સાથોસાથ બાળકો માટેના રમતગમત અને અંગ કસરતના સાધનો પણ મુકાયા છે, જ્યારે વડીલો માટેની બેઠક વ્યવસ્થા સાથેની સુવિધાઓ પણ ગાર્ડનમાં ઊભી કરવામાં આવી છે.
શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારમાં વનસ્પતિ અને ઔષધી સાથેના ’ઔષધીવન’ તેમજ ઓક્સિજન પૂરું પાડવા પાડી શકાય તેવા ઝાડ નું વાવેતર કરીને બે ’ઓક્સિજન પાર્ક’ પણ બનાવાયા છે, ઉપરાંત શહેરના અલગ અલગ 22 જેટલા સર્કલ અને આઇલેન્ડને પણ ડેવલપ કરીને તેમાં પણ ગ્રીનરી વાવી શહેરમાં શુશોભન કરાયું છે,
જયારે અલગ અલગ વિસ્તારમાં પાંચ પ્લોટમાં પણ ફૂલ ઝાડ વગેરે નું વાવેતર કરીને ગ્રીન આઇલેન્ડ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડન શાખાના 48 કર્મચારીઓની ટીમ સમગ્ર ગાર્ડન તેમજ આઇલેન્ડ વગેરે ની વ્યવસ્થા સંભાળી રહી છે.
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ક્રમશ: એક પછી એક ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે, અને હાલમાં શહેરમાં અલગ અલગ કુલ પંદર ગાર્ડન કાર્યરત છે.
જેમાં સંગમ બાગ, નેવિલ પાર્ક, નંદ ધામ પાર્ક, રાજપાર્ક ગાર્ડન, હાપા ગાર્ડન, લાલવાડી ગાર્ડન, સ્વામી વિવેકાનંદ ગાર્ડન, વિરલ બાગ, દાદા દાદી ગાર્ડન, જોગર્સ પાર્ક, આનંદ બાગ, આઝાદ બાગ, રાણી જગદંબા બાગ, કમલા નહેરૂ પાર્ક, અને ડો. આંબેડકર બાગ વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત તમામ ગાર્ડનમાં જુદી જુદી વનસ્પતિ, ફૂલ ઝાડ ના રોપા વગેરેનું વાવેતર કરાયું છે, અને તેમાં દૈનિક પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખામાં કુલ 48 કર્મચારીઓ, જે તમામ દ્વારા શહેરના પ્રત્યેક ગાર્ડન નું સંચાલન કરવામાં આવી રહ્યું છે, અને સવારથી મોડી સાંજ સુધી તમામ પાર્ક ખુલ્લા રહે છે.
મુખ્યત્વે ગાર્ડનમાં નાના બાળકો માટેના હિંચકા, લપસીયા, ઊંચક-નીચક સહિતના સાધનો, સાથો સાથ અંગ કસરતના સાધનો પણ વસાવાયેલા છે, અને નાના બાળકો સહિતના લોકો અલગ અલગ વિસ્તારમાં તેનો પ્રતિદિન લાભ લેતા હોય છે. જેની સાથે ગાર્ડનમાં બેસી શકાય તે માટે ખાસ કરીને વડીલો માટેની બાંકડાઓ સહિતની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જ્યારે ગાર્ડનમાં પિવાના પાણી સહિતની વ્યવસ્થા પણ રખાયેલી છે.
જામનગરને હરિયાળું રાખવાના ઉદ્દેશ્યથી તમામ ગાર્ડનના સંચાલન થઈ રહ્યા છે, ત્યારે નાના મોટા બાળકોને કસરત અને મનોરંજનના સાધનો મળી રહે, તેમજ મોટી ઉંમરના વયસ્કોને નિરાંતે બેસવાની સુવિધા પ્રાપ્ત થાય, તેવા ઉદ્દેશ્ય થી તમામ ગાર્ડનનું મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt