
ગાંધીનગર, 29 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર નિવાસી ડૉ. અજય રાવલે આંતરરાષ્ટ્રીય ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી ગુજરાત તથા ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ કુરુક્ષેત્ર ખાતે ગીતા પ્રાકટ્ય સ્થળ પર આયોજિત “સહસ્ર ગીતા કંઠનાદ કાર્યક્રમ” દરમિયાન તેમના સન્માનાર્થે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં 1000થી વધુ એવા ગીતાવ્રતી ઉપસ્થિત રહ્યા હતા, જેમને સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાજી કંઠસ્થ છે અને તેઓ દ્વારા સામૂહિક ગીતા પાઠ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે યોગર્ષિ બાબા રામદેવજી, શ્રી ગોવિંદદેવગીરી સ્વામી તથા ગીતામનીષી પૂજ્ય શ્રી જ્ઞાનાનંદજીની પવિત્ર ઉપસ્થિતિમાં ડૉ. અજય રાવલને આંતરરાષ્ટ્રીય ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરવા બદલ પુરસ્કાર અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય ગીતા ઓલમ્પિયાડમાં ભારતીય સંસ્કૃતિ આધારિત વિવિધ રમતો, પ્રશ્નોત્તરી અને ગીતા જ્ઞાન સંબંધિત સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધાને ઉંમર પ્રમાણે ત્રણ જૂથોમાં વિભાજિત કરવામાં આવી હતી. 20 થી 40 વર્ષના વય જૂથ (અર્જુન ગ્રુપ)માં ડૉ. અજય રાવલે સેમિફાઇનલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું હતું અને ગ્રાન્ડ ફિનાલેમાં ઉત્તમ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય ગીતા ઓલમ્પિયાડમાં વિશ્વભરમાંથી 50,000થી વધુ સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી, જેમાં ડૉ. અજય રાવલે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ