
- આગામી તા. ૩૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે રૂ. ૬૫૧ કરોડના ખર્ચે ૩૮ હજાર કરતા વધુ આવાસોનું કરશે લોકાર્પણ
ગાંધીનગર, 29 માર્ચ (હિ.સ.) : પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) - PMAY-G એટલે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા અને કાચા મકાનો ધરાવતા પરિવારોને સન્માનપૂર્વકનું જીવન આપવા માટેની કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના. આ યોજના માત્ર ઈંટ-પથ્થરનું મકાન નથી આપતી, પરંતુ સન્માન, સુરક્ષા અને સ્થિરતાનું ઘર આપી રહી છે. જેને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ ૩૮,૯૪૯ આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે રૂ. ૬૫૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ગરીબ પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો સૂરજ લાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામીણ પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પને વધુ વેગ આપ્યો છે. જે અન્વયે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧,૭૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સૌથી વધુ ૧,૨૦,૩૮૧ આવાસોનું નિર્માણ કરીને લાભાર્થીઓને રૂ. ૧૦૩૭.૮૪ કરોડની સહાય તેમજ ૧૦૦ ટકા રાજય ફાળા હેઠળ રૂ. ૪૭૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જે 'અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત'ના સૂત્રને ચરિતાર્થ કરે છે.
PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૦:૪૦ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ રૂ. ૧.૨૦ લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે જેમાં રૂફ-કાસ્ટ લેવલે ૧૦૦ ટકા રાજ્ય ફાળા હેઠળ રૂ. ૫૦ હજારની વધારાની સહાય આપવામાં આવે છે. વધુમાં પ્રથમ હપ્તો મળ્યાના ૬ માસમાં આવાસ પૂર્ણ કરનારને રૂ. ૨૦ હજારની પ્રોત્સાહક સહાય અને મહિલા સભ્યોની સુવિધા માટે બાથરૂમ બાંધકામ માટે વધારાના રૂ. ૫ હજારની સહાય આપવામાં આવે છે.
વધુમાં, લાભાર્થીઓને મનરેગા હેઠળ ૯૦ દિવસની રોજગારી પેટે રૂ. ૨૫,૯૨૦ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ શૌચાલય માટે રૂ. ૧૨ હજારની સહાય પણ મળવાપાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા ‘આવાસ પ્લસ સર્વેક્ષણ ૨૦૨૪’ દ્વારા બાકી રહી ગયેલા પાત્ર પરિવારોને પણ આવરી લેવાની કામગીરી ચાલુ છે, જેથી વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને પ્રાપ્ત કરીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરી શકાય.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭થી ૨૦૨૪-૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૮,૩૮,૩૯૬ આવાસનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો, જે પૈકી ૮,૨૯,૨૨૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૬,૯૨,૫૫૪ પરિવારોએ પોતાના સપનાના ઘરનું નિર્માણ પૂર્ણ કર્યું છે અને આ યોજના પાછળ કુલ રૂ. ૯,૦૮૩.૬૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર આવાસોની જિલ્લાવાર વિગતો
પંચમહાલમાં રૂ. ૧૭૯.૧૮ કરોડના ખર્ચે ૧૦,૫૭૨ આવાસો, સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૨ જિલ્લાઓમાં રૂ. ૬૬.૫૪ કરોડના ખર્ચે ૩,૯૭૬ આવાસો, મહીસાગરમાં રૂ. ૫૪.૫૭ કરોડના ખર્ચે ૩,૨૨૨ આવાસો, નર્મદામાં રૂ. ૩૯.૬૯ કરોડના ખર્ચે ૨,૩૬૭ આવાસો, ખેડામાં રૂ. ૩૯.૬૭ કરોડના ખર્ચે ૨,૩૪૫ આવાસો અને મહેસાણામાં રૂ. ૩૮.૫૭ કરોડના ખર્ચે ૨,૨૮૧ આવાસો, દાહોદમાં રૂ. ૩૦.૫૭ કરોડના ખર્ચે ૧,૮૦૪ આવાસો, સાબરકાંઠામાં રૂ. ૨૮.૮૯ કરોડના ખર્ચે ૧,૭૧૭ આવાસો, છોટાઉદેપુરમાં રૂ. ૨૮.૪૫ કરોડના ખર્ચે ૧,૬૯૪ આવાસો, અરવલ્લીમાં રૂ. ૨૪.૩૧ કરોડના ખર્ચે ૧,૫૫૬ આવાસો, પાટણમાં રૂ. ૨૦.૮૮ કરોડના ખર્ચે ૧,૨૩૭ આવાસો અને તાપીમાં રૂ. ૧૫.૮૮ કરોડના ખર્ચે ૯૪૯ આવાસો, સુરતમાં રૂ. ૧૫.૨૯ કરોડના ખર્ચે ૯૩૩ આવાસો, વલસાડમાં રૂ. ૧૩.૩૭ કરોડના ખર્ચે ૮૩૪ આવાસો, બનાસકાંઠામાં રૂ. ૧૧.૫૬ કરોડના ખર્ચે ૬૯૯ આવાસો, ડાંગમાં રૂ. ૯.૯૫ કરોડના ખર્ચે ૬૭૮ આવાસો, નવસારીમાં રૂ. ૯.૭૦ કરોડના ખર્ચે ૬૨૭ આવાસો, અમદાવાદમાં રૂ. ૫.૭૬ કરોડના ખર્ચે ૩૪૫ આવાસો, વાવ-થરાદમાં રૂ. ૫.૧ કરોડના ખર્ચે ૩૦૦ આવાસો, ભરૂચમાં રૂ. ૪.૧૪ કરોડના ખર્ચે ૨૬૩ આવાસો, ગાંધીનગરમાં રૂ. ૩.૯ કરોડના ખર્ચે ૨૩૦ આવાસો, વડોદરામાં રૂ. ૨.૮૭ કરોડના ખર્ચે ૧૮૨ આવાસો અને આણંદમાં રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે ૧૩૮ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ