
નવી દિલ્હી, 8 માર્ચ (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કનોટ પ્લેસ ખાતે ઓલ-વુમન બાઇક રેલીને લીલી ઝંડી આપી.
અધ્યક્ષ ઓમ બિરલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે હિંમત, આત્મવિશ્વાસ અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય મહિલાઓએ સ્વતંત્રતા સંગ્રામથી લઈને રાષ્ટ્રના પુનર્નિર્માણ સુધીના દરેક ક્ષેત્રમાં પ્રેરણાદાયી અને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. આજે મહિલાઓ, પંચાયતોથી લઈને સંસદ સુધી નિર્ણાયક ભૂમિકાઓ ભજવી રહી છે, જે વિકસિત ભારતના સંકલ્પને નવી દિશા આપી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી સેંકડો મહિલાઓ ઓલ-વુમન બાઇક રેલીમાં એકસાથે રસ્તાઓ પર ઉતરી હતી અને એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો કે, મહિલા શક્તિ એ વિકસિત ભારત પાછળનું સાચું પ્રેરક બળ છે.
તેમણે કહ્યું કે, આ ઉત્સાહ અને આત્મવિશ્વાસ બદલાતા ભારતનું પ્રતિબિંબ છે, જ્યાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને નવા માપદંડો સ્થાપિત કરી રહી છે.
આ પ્રસંગે સંસદસભ્યો બાંસુરી સ્વરાજ, કમલજીત સેહરાવત, પ્રિયંકા ચતુર્વેદી, સ્વાતિ માલીવાલ અને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના ઉપાધ્યક્ષ કુલજીત સિંહ ચહલ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ