
પાટણ, 11 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે, 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારોએ ચાણસ્મા તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત બેઠકો માટે નામાંકન પત્રો દાખલ કર્યા. આ ચૂંટણીઓ માટે મતદાન 26 એપ્રિલે યોજાશે.
જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે આશાબેન વિક્રમજી ઠાકોર (કંબોઈ), ચેતનાબેન ઉપેન્દ્રભાઈ પટેલ (વડાવલી) અને ભાવિકકુમાર હર્ષદભાઈ પટેલ (ધિણોજ)એ ઉમેદવારી નોંધાવી. તાલુકા પંચાયતની 18 બેઠકો માટે પણ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા.
ધિણોજ બેઠકના ઉમેદવાર ભાવિકકુમાર પટેલ શણગારેલા બળદગાડામાં ચાણસ્મા સર્કલથી રેલી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા. આ પ્રસંગે ઈશ્વરભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, કિરણભાઈ જાની, નાનજીભાઈ ચૌધરી અને જય પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ