
પોરબંદર, 11 એપ્રિલ (હિ.સ.) : ઉનાળાની શરૂઆત થતા કેરી રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ બાદ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આ વર્ષે સારી ગુણવત્તાની કેસર કેરી બજારમાં પહોંચતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કેસર કેરીના 1600 બોક્સની આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં સારી કવોલેટીની કેસર કેરીનો ભાવ રૂ.1100થી 1800 જયારે સામાન્ય કેસર કેરીના બોકસનો ભાવ રૂ.900થી1100 બોલાઈ રહ્યો છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથક ઉપરાંત ભાવનગરથી કેસર કેરીની આવક જોવા મળી હતી. કેરીના વેપારીના જણાવ્યા અનુસાર હાલ પોરબંદરના બરડા ડુંગરની આસપાસના ખંભાળા, બિલેશ્વર,હનુમાનગઢ,આદિત્યાણા અને કાટવાણા સહિતના ગામોમા આવેલા આંબાના બગીચાની કેસર કેરીની આવક જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya