
ગીર સોમનાથ 12 એપ્રિલ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના કણજોતર, રાખેજ, સીંગસર, થોરડી અને ધામળેજ ગામના ટીંબે આવેલ ભુતડાદાદાના પૌરાણિક મંદિરે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 10 થી 16 એપ્રિલ 2026 સુધી યોજાનાર આ ધાર્મિક પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
આ કાર્યક્રમ ઉપવાસી કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ રાખેજ અને કણજોતર ગામના યજમાન પદે આયોજિત થયો છે. ભાગવત સપ્તાહ દરમિયાન ભક્તોને શ્રીમદ્ ભાગવત કથાનો લાભમળશે અને ધર્મપ્રેમીઓ માટે આ અવસર આધ્યાત્મિક ઉર્જા પૂરું પાડનાર બની રહેશે. વિશેષરૂપે, સવારે આશરે 8 વાગ્યે રાખેજના શિવમંદિરથી ભાગવત ભગવાનની પોથીયાત્રા પ્રારંભ થશે, જે રાખેજ ગામમાં ફર્યા બાદ કણજોતર ખાતે પણ ભવ્ય રીતે ફરાવવામાં આવશે. ભક્તોને પોથીયાત્રામાં જોડાવા આમંત્રણ અપાયું છે. 16 એપ્રિલે પૂર્ણાહુતિ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ