
પાટણ, 13 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયડ ગામ નજીક હાઈવે પર યુવકના અપહરણ અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના 19 વર્ષીય અશ્વિનકુમાર વિનોદજી ઠાકોર 12 એપ્રિલ, 2026ના રોજ તેમના પિતરાઈ ભાઈ સાથે શિહોરીથી પાટણ જઈ રહ્યા હતા.
વાયડ અને મેલુસણ ગામ વચ્ચે ભૂમિ એન્ટરપ્રાઈઝ નજીક એક સફેદ આઈ-20 કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમની વેગનર કારને અટકાવી હતી. મોઢે રૂમાલ બાંધેલા આરોપીઓએ અશ્વિનકુમારને છરી બતાવી બળજબરીથી પોતાની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.
અપહરણ બાદ આરોપીઓએ યુવકનો ફોટો લઈ અન્ય વ્યક્તિને મોકલ્યો હતો, જેમાંથી તેમને ખ્યાલ આવ્યો કે તેમણે ખોટા યુવકનું અપહરણ કર્યું છે. ત્યારબાદ તેમણે અશ્વિનકુમારને માર માર્યો અને તેના પેટના ભાગે છરી મારી દૂધારામપુરા નજીક રસ્તામાં ઉતારી દીધો હતો. ઇજાગ્રસ્તને તરત જ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં, ધોળે દિવસે બનેલી આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને પોલીસે પોતે ફરિયાદી બની અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ. કલમ 140(3), 118(1), 115(2), 126(2), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ