
કચ્છ, 15 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય “કચ્છ કમલમ્” ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા મંડલના પ્રમુખો અને મહામંત્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના કાર્યકરોને સક્રિય બનાવવા, બૂથ સ્તર સુધી મજબૂત માળખું ઉભું કરવા અને મતદારો સુધી અસરકારક રીતે પહોંચવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રત્નાકરે ખાસ કરીને સંગઠનની એકતા, શિસ્ત અને કાર્યકર્તાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જીત માટે મજબૂત સંગઠન અને સંકલિત પ્રયાસો ખૂબ જ જરૂરી છે.
આ બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી ફલજીબાઈ ચૌધરી, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, તેમજ મહામંત્રીઓ ધવલ આચાર્ય, હિતેશ ખંડોર અને ભીમજી જોધાણી ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા અને કાર્યકરોને ચૂંટણી માટે તત્પર રહેવા અપીલ કરવામાં આવી.
આ બેઠકને કારણે કચ્છ જિલ્લામાં ભાજપ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બનતી દેખાઈ રહી છે. આગામી દિવસોમાં વધુ પ્રચાર કાર્યક્રમો અને બેઠકો યોજાઈ શકે તેવી શક્યતા છે, જે ચૂંટણીના પરિણામો પર અસરકારક બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar