
નવસારી, 17 એપ્રિલ (હિ.સ.): નવસારીના વિરાવળ નાકા રિંગ રોડ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જૂની અદાવતને કારણે ત્રણ શખ્સોએ મળીને યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ચિંતાજનક હોવાનું જણાવાયું છે.
માહિતી મુજબ, કાગદીવાડ વિસ્તારમાં રહેતો ઈમરાન તૈયબ શેખ તેના મિત્રો સાથે જમવા નીકળ્યો હતો. રસ્તામાં તે સિગારેટ લેવા માટે ઉભો રહ્યો ત્યારે આરોપીઓએ અચાનક તેના પર હુમલો કર્યો. ઈમરાન લોહીલુહાણ હાલતમાં મિત્ર પાસે પહોંચી હુમલાખોરોના નામ જણાવતાં જ બેભાન થઈ ગયો હતો. હુમલાખોરોએ તેના શરીરના વિવિધ ભાગોમાં ચપ્પુના ઘા માર્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા મહિના પહેલા ઈમરાન અને મુખ્ય આરોપી વચ્ચે ઝઘડો થયો હતો, જેને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે