
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે મેલી વિદ્યાના વહેમમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો છે. પાડોશીઓએ ધારીયા અને લાકડી વડે હુમલો કરતા યુવકનું હાથનું કાંડું અને અંગૂઠો ગંભીર રીતે કપાઈ ગયા છે. હાલ તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ફરિયાદી કોમલબેન વાલ્મિકીની ફરિયાદ મુજબ, લગભગ 20 દિવસ પહેલા આરોપી જયેશ ધનાભાઈ વાલ્મિકીના ઘરે માતાજીની રમેલ યોજાઈ હતી. ફરિયાદીનો પરિવાર તેમાં ગયો ન હોવાથી બંને પરિવારો વચ્ચે મનદુઃખ ઊભું થયું હતું. રમેલ બાદ એક અઠવાડિયામાં જયેશના પિતા ધનાભાઈનું કુદરતી અવસાન થયું હતું. જયેશે વહેમ રાખ્યો કે ફરિયાદી પરિવાર દ્વારા કરાયેલા જાદુ-ટોણાને કારણે તેના પિતાનું મૃત્યુ થયું છે, અને એ કારણે તેણે હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
15 એપ્રિલ, 2026ના રોજ જયેશ ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલતો હતો. વિરોધ કરતા જીવિણભાઈ પર તેણે ધારીયા વડે હુમલો કર્યો, જેમાં તેમના ખભા અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી. બીજા આરોપી ડાયાભાઈએ વચ્ચે પડનારને પકડી રાખ્યો હતો.
ત્યારબાદ જયેશે ફરી હુમલો કરતા જીવિણભાઈનું કાંડું અને અંગૂઠો કપાઈ ગયા. ત્રીજો આરોપી નાનુભાઈ લાકડી લઈને આવ્યો અને વધુ મારમાર્યો. ઈજાગ્રસ્તને પહેલા ધારપુર હોસ્પિટલ અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સરસ્વતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 109(1), 118(1), 296(b), 54 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ