નાસતા ફરતા લૂંટના આરોપીને એલસીબી એ દબોચ્યો – રેહા ત્રણ રસ્તા પરથી ઝડપાયો યુવક
કચ્છ, 15 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા સફળતાપૂર્વક પકડી
Loot


કચ્છ, 15 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કડક સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન હેઠળ LCB ટીમ સતત વિવિધ વિસ્તારોમાં તપાસ અને પેટ્રોલિંગ કરી રહી હતી.

આ જ કામગીરી દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પંકજભાઈ કુશવાહ, હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં શંકાસ્પદ ઇસમોની શોધખોળમાં લાગી હતી. ત્યારે નવીનભાઈ જોષીને ખાનગી સૂત્રો દ્વારા ચોક્કસ બાતમી મળી કે લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી રેહા ત્રણ રસ્તા નજીક હાજર છે.

આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ઇસમ મળી આવતા તેને રોકી પૂછપરછ કરવામાં આવી. શરૂઆતમાં ટાળટૂળ કર્યા બાદ કડક પૂછપરછમાં આરોપીએ પોતે જ લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલ આરોપીની ઓળખ જાવેદ લતીફ બાફણ (ઉંમર ૨૫ વર્ષ, નિવાસી નાગીયારી, તા. ભુજ) તરીકે થઈ છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ પધ્ધર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ તંત્રની ઝડપી અને અસરકારક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બની છે. જિલ્લાના નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવવામાં આવી રહી છે અને આવનારા સમયમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande