
વલસાડ, 15 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાની અસરકારક અમલવારી માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા મોટી સફળતા મેળવી છે. ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમે મોજે ભગોદ ગામ નજીક કોસ્ટલ હાઇવે પર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન દમણ તરફથી આવતી પિયાગો રિક્ષા નં. GJ-15-YY-8316ને રોકી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રિક્ષામાંથી વ્હીસ્કી, વોડકા અને બિયરની કુલ ૯૪૮ બોટલ/ટીન (૨૧૨.૪૬૦ લીટર) કિ.રૂ. ₹૨,૬૩,૭૮૪નો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત રિક્ષા (કિંમત ₹૫૦,૦૦૦) અને બે મોબાઇલ ફોન સાથે કુલ ₹૩,૧૪,૭૮૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે રિક્ષા ચાલક અતુલકુમાર ઉર્ફે કલ્લુ અને તેની સાથે રહેલી કલ્પનાબેનને ઝડપીને તેમના વિરૂદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ ચાલી રહી છે અને આ જથ્થો ક્યાંથી અને કોના માટે લાવવામાં આવી રહ્યો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha