
- પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રાજપીપલાના કાલાઘોડા સર્કલ પાસે શેરી નાટકના માધ્યમથી અનોખો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
રાજપીપલા, 15 એપ્રિલ (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જા હેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓનું મતદાન 26 એપ્રિલ (રવિવાર)ના રોજ યોજાનાર છે. લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદારો મતદાનમાં ભાગ લે તે અત્યંત આવશ્યક હોવાથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ હેતુસર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ (SVEEP) એક્ટિવિટી અંતર્ગત શાળા, ગામ, શેરી, મહોલ્લા તેમજ જાહેર સ્થળોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સાંજે રાજપીપળા શહેરમાં કાલાઘોડા સર્કલ નજીક પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શેરી નાટકના માધ્યમથી અનોખો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ નાટક દ્વારા મતદાનનું મહત્વ, લોકશાહી પ્રત્યેની નાગરિક જવાબદારી અને “દરેક મત કિંમતી છે” તેવો સંદેશો અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમને સ્થાનિક નાગરિકો તેમજ અહીંથી પસાર થતા લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો અને વધુમાં વધુ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે અને મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે આવા સર્જનાત્મક કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
અંતમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને આવનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાની અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ