
રાજપીપલા, 15 એપ્રિલ (હિ.સ.) : નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવનારી 26 એપ્રિલ,(રવિવાર)ના રોજ યોજાનાર છે. આ દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે.
લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદારો મતદાનમાં ભાગ લે તે અત્યંત આવશ્યક છે. આ હેતુસર નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ મારફતે જનજાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધાઓ, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા તથા જાગૃતિ રેલી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નાના બાળકો પોતાના ગામમાં મતદાન માટેના વિવિધ સંદેશાઓ સાથે રેલીઓ કાઢી ગ્રામજનોને મતદાન માટે પ્રેરિત કરી રહ્યા છે. નાગરિકો લોકશાહીના આ મહાપર્વમાં સક્રિય ભાગ લઈ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે અને નિષ્પક્ષ, નિર્ભય અને શાંતિપૂર્ણ મતદાન માટે સહકાર આપે તેવી અપીલ કરી રહ્યા છે.
આ પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારીનો ભાવ વિકસે છે, તેઓ પોતાના માતા-પિતા અને સમાજને મતદાન માટે પ્રોત્સાહિત કરે છે. આ રીતે શાળાઓ મતદાર જાગૃતિના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ