
રાજપીપલા, 15 એપ્રિલ (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત જિલ્લામાં ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સુચારૂ, પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન આયોજન સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કા પર યોગ્ય દેખરેખ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ અનુસંધાને નર્મદા જિલ્લા ચૂંટણી નિરીક્ષક તરીકે એન.પી.પાટડિયા, નાયબ કમિશનરની નિમણૂંક કરવામાં આવી છે. દેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન તેમણે દેડિયાપાડા તાલુકાના ઘાંટોલી-1 અને ઘાંટોલી-2 તેમજ દેડિયાપાડા-2,3,4 અને 5 મતદાન મથકો (પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યાશાળા, દેડિયાપાડા)ની મુલાકાત લઈ મૂળભૂત સુવિધાઓ, મતદાન માટે જરૂરી સામગ્રી, સુરક્ષા વ્યવસ્થા અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સાગબારા તાલુકામાં દેવમોગરા મતદાન મથકની મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે દરેક મતદાર સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જરૂરી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે. ઉપરાંત, તેમણે દિવ્યાંગ મતદારો, વયસ્ક નાગરિકો અને મહિલાઓ માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ રહે તે અંગે પણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત વેળાં એન.પી.પાટડિયાએ આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર યાહામોગી માતા-દેવમોગરા મંદિર ખાતે પહોંચીને માતાજીના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ