પોરબંદરના સુદામા મંદિરે અખાત્રીજની ઉજવણી કરાશે.
પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીના વિશ્વના એક માત્ર મંદિરમાં 19 એપ્રિલ (રવિવાર) ના રોજ વહેલી સવારે 6:00થી રાત્રે 8:00 વાગ્યા સુધી ભક્તો નિજ મંદિરમાં જઈને ચરણસ્પર્શ કરી શકશે. વહેલી સવારે મહાઆરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ
પોરબંદરના સુદમાં મંદિરે અખાત્રીજની ઉજવણી કરાશે.


પોરબંદરના સુદમાં મંદિરે અખાત્રીજની ઉજવણી કરાશે.


પોરબંદર, 18 એપ્રિલ (હિ.સ.) ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીના વિશ્વના એક માત્ર મંદિરમાં 19 એપ્રિલ (રવિવાર) ના રોજ વહેલી સવારે 6:00થી રાત્રે 8:00 વાગ્યા સુધી ભક્તો નિજ મંદિરમાં જઈને ચરણસ્પર્શ કરી શકશે. વહેલી સવારે મહાઆરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજાશે. મંદિર પરિસરમાં બિરાજમાન સુદામાજીના ધર્મપત્ની શ્રી સુશીલાદેવીજી તથા શ્રી રાધે-કૃષ્ણની મૂર્તિના દર્શનનો ભક્તો લાભ લેવા માટે મહંત નરેન્દ્રદાસદાસ તથા કમલદાસ રામાવત દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.

પ્રાચીન કાળથી જગપ્રસિદ્ધ અને વિશ્વમાં એકમાત્ર એવા શ્રી સુદામા મંદિર ખાતે આગામી વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના પવિત્ર દિવસે દર વર્ષની પરંપરા મુજબ ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષમાં માત્ર એક જ વખત અખાત્રીજના દિવસે ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો અમૂલ્ય લ્હાવો મળે છે.

આ ભૂમિ શ્રી સુદામાજીના જન્મભૂમિ તથા કર્મભૂમિ સાથે જોડાયેલી છે, પૌરાણિક ભૂગોળ અને સ્કંદ પુરાણના 'સુદામા ચરિત્ર' મુજબ, પોરબંદર એ - પ્રાચીન 'સુદામાપુરી' છે,જે પવિત્ર અશ્મવતી નદીના કિનારે વસેલું છે. ઈતિહાસમાં આ નગરનો ઉલ્લેખ 10મી સદીમાં ‘પૌરાવલ કુલ' તરીકે -પણ જોવા મળે છે.

આ મંદિરની વિશેષતા એ છે કે તે કોઈ દેવતાને નહીં પણ એક નિઃસ્વાર્થ તથા ભગવાન શ્રીકૃષ્ણના એક માત્ર પરમ મિત્રને સમર્પિત છે. મંદિરની પ્રાચીનતા 12મી-13મી સદીની મનાય છે, જેનો વર્તમાન મંદિર નો જીર્ણોદ્ધાર ઈ.સ. 1899 માં કરવામાં આવ્યો હતો .

આધુનિક યુગના મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદે પણ પોરબંદરની આ ભૂમિની પવિત્રતાનો અનુભવ કર્યો હતો. ઈ.સ. 1891-92દરમિયાન સ્વામીજીએ અહીં દીવાન શંકર પાંડુરંગના અતિથિ તરીકે ‘ભોજેશ્વર બંગલા' માં લગભગ 11 મહિના જેટલો લાંબો સમય વિતાવ્યો હતો. અહીં રહીને તેમણે વેદોનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને સુદામાજીના 'ત્યાગ (Renunciation) ના આદર્શની પ્રશંસા કરી હતી .

ધાર્મિક ઇતિહાસ મુજબ, જ્યારે સુદામાજી તાંદુલ (પૌંઆ) ની પોટલી લઈને કૃષ્ણને મળવા દ્વારિકા પહોંચ્યા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ભાવવિભોર થઈ પોતે સુદામાજીના ચરણ ધોયા હતા અને ચરણસ્પર્શ કર્યા હતા .

આથી, ભક્તો અખાત્રીજના દિવસે તાંદુલની ભેટ લઈને સુદામાજીને વળાવવા આવે છે અને ચરણસ્પર્શ કરી કૃતાર્થ થાય છે.

ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને મહંત પરિવાર દ્વારા ઠંડા પીણા, છાશ વિતરણ અને ભક્તો આકરી ગરમી માં અકળાઈ નહિ એ માટે મંડપ સહીત ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહંત નરેન્દ્રદાસજી તથા કમલદાસ રામાવત દ્વારા તમામ ભક્તજનોને આ પાવન અવસરે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande