
અમદાવાદ, 18 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદમાં ગત મોડી રાત્રે ભાટ ગામ પાસે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પર છરીથી હુમલો થયાની ઘટના સામે આવી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમડી ડ્રગ્સની રેડ માટે ભાટ ગામ પાસે ગઈ હતી. આ દરમિયાન આરોપી અને પોલીસની કારનો અકસ્માત થયો હતો, ત્યારે આરોપીએ પીએસઆઇ પર છરીથી હુમલો કર્યો હતો. જોકે પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ભાટ ગામ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઈને એક યુવક કારમાં પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારને રોકવાની કોશિષ કરી હતી. પરંતુ યુવક નહી ઉભા રહેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં.
યુવકની કાર અને ક્રાઈમ બ્રાંચની કાર એકબીજાને અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત થતાની સાથે જ યુવક કારમાંથી ઉતર્યો હતો અને ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો કરવા લાગ્યો હતો. યુવકે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને પીએસઆઇ પર હુમલો કર્યો હતો. પીએસઆઇને ઈજા થતાની સાથે જ અન્ય ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ યુવકને ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાંચે યુવકની ધરપકડ કરી છે અને તેની કારની તપાસ કરી હતી. જેમાંથી 25 લાખથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ