ધરમપુરમાં એલસીબીનો દરોડો: ₹3.12 લાખનો વિદેશી દારૂ જપ્ત, આરોપી ફરાર
વલસાડ , 18 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરમપુર તાલુકાના ઓઝરપાડા ધોજ ફળીયા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા ₹3,12,000 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્ય
ધરમપુરના ઓઝરપાડા વિસ્તારમાં પડતર જમીનમાંથી જપ્ત કરાયેલ વિદેશી દારૂનો જથ્થો.


વલસાડ , 18 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરમપુર તાલુકાના ઓઝરપાડા ધોજ ફળીયા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા ₹3,12,000 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, જિલ્લા ખાતે પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને કાબૂમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ઓઝરપાડા ખાતે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન જીતેન્દ્રભાઈ અમરતભાઈ પટેલના મકાન સામે આવેલી જગુભાઈ બચુભાઈ પટેલની પડતર જમીનમાંથી 20 બોક્સમાં રાખેલ રોયલ સ્ટેગ ક્લાસિક વિસ્કીની 180 મી.લી.ની કુલ 960 બોટલ (172.800 લીટર) મળી આવી હતી. સમગ્ર જથ્થાની કિંમત ₹3.12 લાખ આંકવામાં આવી છે, જેને પોલીસે કબજે કર્યો છે.

આ મામલે એલસીબીના અ.પો.કો. નીતીન બાબુલાલ ચૌધરીએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ માટે મુદામાલ સુપ્રત કરવામાં આવ્યો છે. ફરાર આરોપી જીતેન્દ્રભાઈ પટેલને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં નાનાપોંઢા અને ધરમપુર પોલીસ સ્ટેશનના કેસોનો સમાવેશ થાય છે.

ટીમની કામગીરી:આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ, પો.સ.ઈ. જે.જી. વસાવા અને તેમની ટીમે સંયુક્ત રીતે અંજામ આપી હતી.

પોલીસની આ કાર્યવાહીથી, વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande