
વાપી , 18 એપ્રિલ (હિ.સ.) વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા એક સંવેદનશીલ અને ગંભીર દુષ્કર્મ કેસમાં આરોપી સામે કડક વલણ અપનાવતા 22 વર્ષીય કૈલેશ નરોત્તમ વસાવાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે આરોપીને કુલ 30 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે.
કોર્ટએ ભોગ બનનાર કિશોરીને “ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ” હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, દોષિત આરોપી પોતે બે સંતાનોનો પિતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એપ્રિલ 2022 દરમિયાન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની 14 વર્ષની કિશોરી ભીલાડ વિસ્તારમાં એક હોટલમાં કામ કરતી હતી. તે જ હોટલમાં નોકરી કરતો આરોપી કૈલેશ વસાવાએ રાત્રિના સમયે કોમન હોલમાં સૂતી કિશોરીની એકલતાનો લાભ લઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાના પરિણામે કિશોરી ગર્ભવતી બની હતી.
પછી પરિવારજનોને શંકા જતા કિશોરીને ખાનગી ક્લિનિકમાં તપાસ માટે લઈ જવામાં આવી હતી, જ્યાં સમગ્ર હકીકત સામે આવતા ભીલાડ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ કેસ વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જજ એચ.એન. વકીલ સમક્ષ ચાલી રહ્યો હતો. પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ અસરકારક દલીલો રજૂ કરી હતી. કોર્ટે રજૂ કરાયેલા પુરાવાઓ અને ભોગ બનનારની મક્કમ જુબાનીને ધ્યાને રાખીને આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
કોર્ટએ પોક્સો એક્ટની કલમ 4 અને 6 તેમજ IPC કલમ 376(2)(એન) અને 376(3) હેઠળ 20-20 વર્ષની સજા તથા પ્રત્યેક કલમ હેઠળ 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. દંડ ન ભરાય તો વધુ એક વર્ષની સજાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
ડીએનએ પુરાવા પર પ્રશ્ન:કેસ દરમિયાન કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા ડીએનએ સેમ્પલની ‘ચેન ઓફ કસ્ટડી’ યોગ્ય રીતે જાળવવામાં ન આવતાં કોર્ટે ડીએનએ રિપોર્ટને માન્ય રાખ્યો નહોતો. તેમ છતાં, કિશોરીની સ્પષ્ટ અને વિશ્વસનીય જુબાની તથા અન્ય પરિસ્થિતિજન્ય પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને કડક સજા આપી છે.
આ ચુકાદો બાળ સુરક્ષા સંબંધિત કેસોમાં ન્યાયિક કડકાઈનો દાખલો બની રહ્યો છે અને સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે, આવા ગુનાઓ સામે કાયદો કઠોર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha