
સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરતમાં એપ્રિલના મધ્યમાં અચાનક બદલાયેલા હવામાનથી નાગરિકો ચકિત રહી ગયા. સામાન્ય રીતે કાળઝાળ ગરમી રહેતી હોય તેવા સમયમાં વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. વિઝિબિલિટી ખૂબ ઘટી જતા સામેથી આવતી બિલ્ડિંગો અને વાહનો પણ સ્પષ્ટ દેખાતા નહોતા, જેના કારણે રોજિંદા કામે જતાં લોકોને મુશ્કેલી પડી.
અડાજણ, પાલ, વેસુ, સરથાણા અને વરાછા જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર રહી હતી. હાઈવે સહિત મુખ્ય માર્ગો પર વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. ઉનાળામાં આવી સ્થિતિ સર્જાતા લોકોમાં આશ્ચર્ય સાથે શિયાળાની લાગણી ઉભી થઈ હતી.
હવામાન વિભાગે આવનારા દિવસોમાં માવઠાની શક્યતા દર્શાવી છે, જેના કારણે આ ભેજવાળું વાતાવરણ ખેતી માટે ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. નિષ્ણાતોના મતે, અરબી સમુદ્ર તરફથી વધતી ભેજ અને પવનની દિશામાં ફેરફારના કારણે આ અણધારી પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે તાપમાન પણ ઝડપથી વધીને 40 ડિગ્રી નજીક પહોંચી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે