
વાપી , 18 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 13 વર્ષથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના અનેક ગુનાઓમાં નાસતો ફરતો આરોપી અનિલ બિંદેશ્વર યાદવ (ઉંમર 47)ને પોલીસે ઝડપી પાડ્યો છે.
આ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના સુચન મુજબ હાથ ધરવામાં આવી હતી. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ PSI વાય.પી. હડિયા અને PSI એસ.આર. સુસલાદેની ટીમે સતત પ્રયત્નો કર્યા હતા.
પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી અનિલ યાદવને વાપી ચલા પોલીસ ચેકપોસ્ટ નજીક સાગાકાસા બિલ્ડિંગ સામે રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તે દમણના દાભેલ વિસ્તારમાં અતિથિ બાર એન્ડ રેસ્ટોરન્ટ પાસે છુપાઈને રહેતો હતો. મૂળ બિહાર રાજ્યના જહાનાબાદ જિલ્લાના રહેવાસી છે.
પકડાયેલા આરોપી સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. તેમાં વર્ષ 2010 થી 2014 દરમિયાનના અનેક ગુનાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, IPCની ગંભીર કલમો હેઠળ પણ એક ગુનો નોંધાયેલો છે.
પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો છે. આ કામગીરીમાં ASI સયદભાઈ બાબનભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામ, અરૂણ સીતારામ, દિપકસિંહ બાપુસિંહ તથા હસમુખ ગીગાભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આમ, વર્ષો સુધી પોલીસથી બચતો ફરતો આરોપી આખરે કાયદાની ઝપેટમાં આવતા વલસાડ SOGની કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha