સુરતમાં નકલી પનીરનો ભાંડાફોડ: 1400 કિલો જથ્થો ફેલ, ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સનો ખતરનાક ઉપયોગ
સુરત, 02 એપ્રિલ (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા આશરે 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાઓનો લેબ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ પનીરને “સબ-સ્ટાન્ડર્ડ” જાહેર કર્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે પનીરમાં કુદરતી દૂધના
Surat


સુરત, 02 એપ્રિલ (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા આશરે 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાઓનો લેબ રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ પનીરને “સબ-સ્ટાન્ડર્ડ” જાહેર કર્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે પનીરમાં કુદરતી દૂધના ફેટની જગ્યાએ પામોલીન તેલ અને અન્ય ભેળસેળ વપરાઈ હતી, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ફૂડ સેફ્ટી અધિકારીઓના જણાવ્યા મુજબ, દૂધના ગુણધર્મો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યા હતા. તેના બદલે વેજીટેબલ ઓઈલનું પ્રમાણ વધુ હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ પનીર અસલી ન હતું. આ ખુલાસા બાદ તંત્રએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી છે.

તપાસ દરમિયાન સૌથી ગંભીર બાબત એ સામે આવી કે પનીર બનાવવામાં ખાદ્ય પદાર્થો માટે યોગ્ય એસિડના બદલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. નિષ્ણાતોના મતે, આવું પદાર્થ લાંબા ગાળે શરીર માટે ખૂબ નુકસાનકારક બની શકે છે અને કિડની તથા આંતરડાં સંબંધિત ગંભીર બીમારીઓ ઊભી કરી શકે છે.

આ નકલી પનીર બનાવવાની પ્રક્રિયામાં પામોલીન તેલ, મિલ્ક પાવડર અને પાણીનો મિશ્રણ બનાવી મશીન દ્વારા પનીર જેવો આકાર આપવામાં આવતો હતો. દેખાવમાં અસલી પનીર જેવું લાગતું હોવાથી ગ્રાહકો સરળતાથી છેતરાઈ જતા હતા. આ પનીર બજારમાં ખૂબ ઓછા ભાવમાં વેચાતું હતું, જે તેની નકલી હોવાની એક મોટી નિશાની બની.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવી રહ્યો હતો અને દરરોજ લગભગ 400 કિલો નકલી પનીર શહેરમાં સપ્લાય કરતો હતો. હવે મહાનગરપાલિકા આ પનીર ખરીદનાર ડેરીઓ અને હોટલો સામે પણ કાર્યવાહી કરશે, જેથી આવું ખતરનાક ખાદ્યપદાર્થ ફરી બજારમાં ન પહોંચે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande