
બેટન રૂજ (લુઇસિયાના) અમેરિકા, નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.): અમેરિકાના લુઇસિયાના પ્રાંતના શ્રેવેપોર્ટમાં એક બંદૂકધારીએ રવિવારે વહેલી સવારે ત્રણ ઘરોમાં ઘૂસીને આઠ બાળકોની ગોળી મારીને હત્યા કરી દીધી. જાન્યુઆરી 2024 પછી આ દેશની સૌથી ભયાનક સામૂહિક ગોળીબારની ઘટના છે. આ ઘટનાથી શ્રેવેપોર્ટની આસપાસના લોકો હચમચી ગયા છે. જે પણ ઘટનાસ્થળે પહોંચ્યું, તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યું. લુઇસિયાનામાં 'કેડો પેરિશ કોરોનર ઓફિસ' (મૃત્યુના કારણોની તપાસ કરતી સ્વતંત્ર એજન્સી) એ જણાવ્યું છે કે, આ દરમિયાન એક 13 વર્ષનો છોકરો ઘરની છત પરથી કૂદ્યા પછી ઘાયલ થયો હતો. તેનાં કેટલાંક હાડકાં તૂટી ગયાં છે.
સીએનએન ચેનલ અને સીબીએસ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, શ્રેવેપોર્ટ પોલીસના પ્રવક્તા ક્રિસ બોર્ડેલોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કુલ 10 લોકો ગોળીબારનો શિકાર બન્યા. શંકાસ્પદ શૂટરની ઓળખ શમાર એલ્કિન્સ તરીકે થઈ છે. તે પોલીસ ગોળીબારમાં માર્યો ગયો. માર્યા ગયેલા બાળકોમાં ત્રણ છોકરાઓ અને પાંચ છોકરીઓ છે. જેમાં સાત સગાં ભાઈ-બહેન છે. તેમણે જણાવ્યું કે આ ગોળીબારમાં જયલા એલ્કિન્સ (3), શાયલા એલ્કિન્સ (5), કાયલા પ્યુ (6), લેયલા પ્યુ (7), માર્કેડોન પ્યુ (10), સરિયાહ સ્નો (11), ખેડેરિયન સ્નો (6) અને બ્રેયલોન સ્નો (5) નાં મોત નીપજ્યાં છે.
શ્રેવેપોર્ટ પોલીસે નિવેદનમાં જણાવ્યું કે, ગોળીબાર દરમિયાન બે મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ છે. ગોળીબારમાં એક કિશોર પણ ઘાયલ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ સૌથી પહેલા રસ્તા પર એક મહિલાને ગોળી મારી હતી. ત્યારબાદ તે નજીકના એક ઘરમાં ઘૂસી ગયો અને ત્યાં આઠ લોકોને ગોળી મારી દીધી. લુઇસિયાનાના એટર્ની જનરલ લિઝ મુરિલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે અનેક કાયદા અમલીકરણ એજન્સીઓ આ ઘટનાની તપાસ કરી રહી છે. રાજ્યના પ્રતિનિધિ ટેમી ફેલ્પ્સે જણાવ્યું કે ગોળીબાર દરમિયાન કેટલાંક બાળકોએ પાછળના દરવાજેથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પોલીસ રિપોર્ટ અનુસાર, આ ઘટનાનો શંકાસ્પદ એલ્કિન્સ 2019 માં હથિયારો સંબંધિત એક કેસમાં ધરપકડ કરાયો હતો. અમેરિકન આર્મીના જણાવ્યા અનુસાર, એલ્કિન્સે સાત વર્ષ સુધી લુઇસિયાના આર્મી નેશનલ ગાર્ડમાં પણ સેવા આપી હતી. શ્રેવેપોર્ટના મેયર ટોમ આર્સેનોએ કહ્યું, આ ઘટનાથી આખું શહેર હચમચી ગયું છે. ગન વાયોલન્સ આર્કાઇવ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં ઓછામાં ઓછી 114 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે.
નગર પરિષદના સભ્ય તબાથા એચ. ટેલર ઘટનાસ્થળનું દ્રશ્ય જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે. આ શ્રેવેપોર્ટના ઇતિહાસની સૌથી ખરાબ ઘટના છે. તેમણે કહ્યું, મારું હૃદય સ્તબ્ધ થઈ ગયું છે. શ્રેવેપોર્ટ પોલીસ ચીફ વેન સ્મિથે કહ્યું, હું તો એ પણ વિચારી શકતો નથી કે આવી ઘટના કેવી રીતે બની શકે. મને સમજાતું નથી કે શું કહું. યુએસ હાઉસના સ્પીકર માઈક જોહ્ન્સને આ હત્યાઓને હૃદયદ્રાવક ગણાવી છે. જોહ્ન્સન કોંગ્રેસમાં શ્રેવેપોર્ટ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું, આ અત્યંત મુશ્કેલ સમયમાં અમે પીડિતોની સાથે ઊભા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ