
તેહરાન/વોશિંગ્ટન/ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.): અમેરિકા અને ઈરાન વચ્ચે આજે પૂરો થતો સંઘર્ષ વિરામ (યુદ્ધ વિરામ/સીઝ ફાયર) વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ જાહેરાત કરી હતી. અત્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો બીજો તબક્કો શરૂ કરવા માટે જોરશોરથી રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઈરાને એવો કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નથી કે તે ઇસ્લામાબાદમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. તેનાથી વિપરીત, અમેરિકી પ્રતિનિધિમંડળ સ્વદેશથી પાકિસ્તાન જવા રવાના થઈ ચૂક્યું છે.
સીએનએન, સીબીએસ ન્યૂઝ, અલ જઝીરા અને જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, ટ્રમ્પે વાતવાતમાં સંકેત આપ્યો છે કે, ઈરાન સાથે સીઝ ફાયરને વાસ્તવમાં લગભગ બે દિવસ માટે વધારી દેવામાં આવ્યું છે અને હવે તે વોશિંગ્ટનના સમય મુજબ બુધવાર સાંજ સુધી ચાલુ રહેશે. બ્લૂમબર્ગ સાથેના એક ફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આ સંઘર્ષ વિરામ કરાર, જે પહેલા 21 એપ્રિલે રાત્રે 8 વાગ્યે પૂર્વીય સમય મુજબ સમાપ્ત થવાનો હતો, તે હવે સપ્તાહના મધ્ય સુધી ચાલશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો નવી સમયમર્યાદા પહેલા કોઈ સમજૂતી ન થઈ શકે, તો તેની અવધિ આગળ વધારવી ખૂબ મુશ્કેલ છે.
ટ્રમ્પે સોમવારે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં યોજાનારી બીજા રાઉન્ડની સંભવિત વાતચીત પહેલા ઈરાનના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરવામાં આવશે. એક કન્ઝર્વેટિવ રેડિયો પ્રોગ્રામ 'ધ જ્હોન ફ્રેડરિક્સ શો' પર એક ટૂંકા ફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેહરાન ચોક્કસપણે વાતચીતના ટેબલ પર આવશે. તેમણે કહ્યું કે જો આવું નહીં થાય તો તેના ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે, ઈરાન સમજૂતી કરશે. તે પોતાના દેશને ફરીથી બેઠો કરશે. અને જ્યારે તે આવું કરશે, ત્યારે તેની પાસે કોઈ પરમાણુ હથિયાર નહીં હોય.
ઇન્ટરવ્યુ પૂરો કરતા પહેલા ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીના પોતાના તર્કને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી નાકાબંધીનો પણ બચાવ કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આનાથી ઈરાન પર આર્થિક દબાણ વધ્યું છે અને તેઓ આ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ઈરાન દબાણ અનુભવશે ત્યારે જ વાતચીતના ટેબલ પર પાછું ફરશે. અમેરિકા તેને આ માટે મજબૂર કરી દેશે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તેમના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડારને ફોન પર કહ્યું કે, તેમનો દેશ તમામ પાસાઓ પર વિચાર કરી રહ્યો છે અને આગળ કેવી રીતે વધવું તે અંગે નિર્ણય લેશે. ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકાના ઉશ્કેરણીજનક પગલાં અને સતત સંઘર્ષ વિરામના ઉલ્લંઘનને કારણે પરિસ્થિતિ વણસી છે. મુખ્ય વાટાઘાટકાર અને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબફે કહ્યું કે, ટ્રમ્પ વાતચીતના ટેબલને શરણાગતિના ટેબલમાં ફેરવવાનો અથવા નવેસરથી યુદ્ધ ભડકાવવાને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ દરમિયાન તેહરાનના ટોચના નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું છે કે, ધમકીઓના ઓછાયા હેઠળ વાતચીત નહીં થાય. ટ્રમ્પ પણ પોતાની જીદ પર અડી ગયા છે. તેમણે પણ કહી દીધું છે કે, જ્યાં સુધી તેહરાન કોઈ સમજૂતી માટે સંમત ન થાય ત્યાં સુધી ઈરાની બંદરો પર નાકાબંધી ચાલુ રહેશે. લેબનાન અને ઇઝરાયેલ ચોક્કસપણે દુશ્મનાવટ ખતમ કરવા માટે ગુરુવારે વોશિંગ્ટનમાં વાતચીત કરવાના છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ઇઝરાયેલ દક્ષિણ લેબનોન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ