ગાંધીનગરમાં નિયતિ ઠક્કરનું હેર ડોનેશન: માનવતાનો પ્રેરણાદાયક દાખલો
મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.) ગાંધીનગરમાં માનવતાનો પ્રેરણાદાયક ઉદાહરણ: નિયતિ ઠક્કરે કેન્સર પીડિતો માટે કર્યું હેર ડોનેશન ગાંધીનગરની વતની નિયતિ દશરથકુમાર ઠક્કરે માનવતા, સંવેદનશીલતા અને સાહસિકતાનો અનોખો સમન્વય દર્શાવતા પોતાના લાંબા અને સુંદર વાળ કેન્સ
ગાંધીનગરમાં નિયતિ ઠક્કરનું હેર ડોનેશન: માનવતાનો પ્રેરણાદાયક દાખલો


ગાંધીનગરમાં નિયતિ ઠક્કરનું હેર ડોનેશન: માનવતાનો પ્રેરણાદાયક દાખલો


મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.)

ગાંધીનગરમાં માનવતાનો પ્રેરણાદાયક ઉદાહરણ: નિયતિ ઠક્કરે કેન્સર પીડિતો માટે કર્યું હેર ડોનેશન

ગાંધીનગરની વતની નિયતિ દશરથકુમાર ઠક્કરે માનવતા, સંવેદનશીલતા અને સાહસિકતાનો અનોખો સમન્વય દર્શાવતા પોતાના લાંબા અને સુંદર વાળ કેન્સર પીડિતો માટે ડોનેટ કરીને સમાજમાં પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. આજની નવી પેઢી માત્ર પોતાનાં સપનાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી પણ આગળ વધી રહી છે, તેનો જીવંત દાખલો નિયતિ છે.

નિયતિને આશરે 6 મહિના પહેલા હેર ડોનેશન કરવાનો વિચાર આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર કેન્સર પીડિતો માટે વાળ ડોનેટ કરતા એક વિડિયો જોઈ તેઓ આ સેવાકાર્યથી પ્રભાવિત થયા હતા. આ વિચારને વધુ મજબૂત બનાવતો એક પ્રસંગ લગભગ 1 મહિના પહેલા બન્યો, જ્યારે તેમના એક પરિચિત વ્યક્તિને કેન્સર ડિટેક્ટ થયું અને તેમના વાળ ખરવા લાગ્યા. આ ઘટનાએ નિયતિને અંદરથી સ્પર્શી ગઈ અને તેમણે નક્કી કર્યું કે હવે આ સેવાકાર્યને વાસ્તવિક રૂપ આપવું જ છે.

ત્યારબાદ નિયતિ અને તેમના પરિવારે મળીને Hair Donate કરતી સંસ્થા “Bald Beauty India” નો સંપર્ક કર્યો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું. પોતાની પરીક્ષા અને અન્ય પ્રવૃત્તિઓ પૂર્ણ કર્યા બાદ થોડા દિવસો પહેલા નિયતિએ પોતાના સંપૂર્ણ વાળ મુંડન કરાવી કેન્સર પીડિતો માટે કેશદાન કર્યું. યુવતીઓ માટે વાળ અત્યંત મહત્વનો ભાગ માનવામાં આવે છે, છતાં નિયતિએ આ ત્યાગ કરીને માનવતાને પ્રાથમિકતા આપી.

નિયતિ હાલ 23 વર્ષની છે અને એમ.એસસી.નો અભ્યાસ કરી રહી છે. તેઓ જણાવે છે કે તેમના માતા-પિતા હંમેશા સેવા ભાવના અને સકારાત્મક વિચારો ધરાવતા રહ્યા છે. બાળપણથી જ તેમને શીખવવામાં આવ્યું છે કે સમાજ, કુદરત અને જીવમાત્ર પ્રત્યે આપણું ઋણ હોય છે, જેને સેવા દ્વારા ચૂકવવું જોઈએ. આ જ વિચારસરણીને કારણે તેમના મનમાં આ પ્રકારની સેવા કરવાની ભાવના વિકસતી ગઈ.

નિયતિના પિતા દશરથભાઈ ઠક્કર જણાવે છે કે તેમના પરિવારમાં સત્કર્મ અને આધ્યાત્મિક મૂલ્યોને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેઓ કહે છે કે “આજની નવી પેઢી ખરેખર કમાલ છે. અમારી દિકરી નિયતિએ કેન્સર જેવી ગંભીર બિમારીઓ સામે બહાદુરીથી લડી રહેલી મહિલાઓ માટે પોતાના વાળ દાન કરીને અમને ગૌરવ અપાવ્યું છે.” તેઓ વધુમાં સમજાવે છે કે કેન્સરની સારવાર દરમિયાન કિમોથેરાપી પછી દર્દીઓના વાળ સંપૂર્ણ રીતે ખરતા હોય છે. ઘણી વખત દર્દીઓને મહિનાઓ સુધી મુંડન અવસ્થામાં રહેવું પડે છે અને કેટલીક બિમારીઓમાં તો વાળ કાયમ માટે જતા રહે છે.

ખાસ કરીને મહિલાઓ માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે, કારણ કે સમાજમાં હજુ પણ દેખાવને લઈને વિવિધ માન્યતાઓ અને અભિગમો છે. આવી સ્થિતિમાં દર્દીનો માનસિક સંઘર્ષ બમણો થઈ જાય છે. દશરથભાઈ જણાવે છે કે આવી જાંબાઝ મહિલાઓને નિ:શુલ્ક હેર વિંગ ઉપલબ્ધ કરાવવી કે તે માટે વાળનું દાન કરવું માત્ર એક સહાય નથી, પરંતુ તેમને આત્મવિશ્વાસ આપવાનો પ્રયત્ન છે.

તેમના મત મુજબ, મુખ્ય વાત એ છે કે મહિલાઓને સમજાવવામાં આવે કે મુંડન અવસ્થામાં પણ તેઓ સુંદર છે અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે છે. સમાજના થોડા લોકો જો તેમને અલગ રીતે જુએ, તો તેની પરવા કર્યા વગર પોતાનું જીવન સામાન્ય રીતે જીવવું જોઈએ — કામ પર જવું, બહાર ફરવું અને દરેક ક્ષેત્રમાં આગળ વધવું.

નિયતિના આ કાર્યને સમાજમાં પણ ભરપૂર પ્રશંસા મળી રહી છે. લોકો તેમના આ નિર્ણયને વધાવી રહ્યા છે અને તેને પ્રેરણારૂપ માનતા થયા છે. આથી સ્પષ્ટ થાય છે કે સમાજનો દ્રષ્ટિકોણ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને માનવતાના કાર્યોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.નિયતિ ઠક્કરનું આ પગલું માત્ર એક હેર ડોનેશન નથી, પરંતુ એક સંદેશ છે — સહાનુભૂતિ, હિંમત અને આત્મવિશ્વાસનો. તેમના આ સેવાકાર્યથી અનેક લોકો પ્રેરાઈ આગળ આવી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande