

મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામના 27 વર્ષીય યુવા ખેડૂત વિજયસિંહ ઠાકોરે વર્મી કમ્પોસ્ટ દ્વારા ખેતીમાં નવી દિશા દર્શાવી છે. ગ્રેજ્યુએશન બાદ નોકરી છોડીને તેમણે યૂટ્યુબ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની માર્ગદર્શનથી આ પ્રયોગ શરૂ કર્યો હતો. શરૂઆતમાં માત્ર 30 કિલો અળસિયા અને 3 બેડથી શરૂ કરેલું કામ આજે 12 થી 15 બેડ સુધી વિસ્તર્યું છે.
વર્મી કમ્પોસ્ટ ઓર્ગેનિક ખેતી માટે અત્યંત ઉપયોગી ખાતર છે, જે પાકની ગુણવત્તા વધારવામાં મદદરૂપ બને છે. વિજયસિંહ જણાવે છે કે ખાતર તૈયાર થવામાં અંદાજે 60 થી 70 દિવસનો સમય લાગે છે. એક ટ્રોલી ખાતર માટે લગભગ ₹3000 જેટલો ખર્ચ થાય છે અને તેમાંથી આશરે 1 ટન ઉત્પાદન મળે છે. તેઓ આ ખાતર ₹9 પ્રતિ કિલોના ભાવે વેચે છે અને મહેસાણા, ઊંઝા, વિસનગર સહિતના વિસ્તારોમાં માંગ વધી રહી છે.
વર્મી કમ્પોસ્ટ સાથે તેઓ ઓર્ગેનિક શાકભાજીનું પણ ઉત્પાદન કરે છે, જેનાથી તેમને વધારાની આવક મળે છે. હાલ તેઓ 5 ટ્રોલી સુધી ઉત્પાદન કરી રહ્યા છે અને પ્રતિ ટ્રોલી ₹8000 થી ₹9000 સુધીનું વળતર મેળવી રહ્યા છે.
વિજયસિંહનો આ પ્રયાસ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બની રહ્યો છે અને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR