
પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વોર્ડ નંબર 9 માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલે કર્યું. આ પ્રસંગે તેમણે કાર્યકરો અને ઉમેદવારો સામે દાદાગીરી કરનારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી.
ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ શાંતિમાં માને છે, પરંતુ આ મૌનને નબળાઈ ન સમજવું જોઈએ. જો કોઈ ઉમેદવાર કે કાર્યકરો સાથે દાદાગીરી કરવાનો પ્રયાસ કરશે, તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને દાદાગીરી કરતા આવડે છે, પરંતુ અમારો ઉદ્દેશ સદભાવના જાળવવાનો છે.
આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં વોર્ડના રહીશો અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત હતા. આ પ્રસંગે, વોર્ડના તમામ ઉમેદવારોએ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી અને વિસ્તારના વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી અલ્કેશ પટેલ (સીમેન્ટવાળા), સામાજિક કાર્યકર સુભદ્રા મોદી, પૂર્વ કોર્પોરેટર ગીતા ઠાકોર અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ પટણી ચૂંટણી લડી રહ્યા છે.
આ પ્રસંગે, ધારાસભ્ય કિરીટ પટેલે મતદારોને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાની ખાતરી આપી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ