
બોટાદ, 21 એપ્રિલ (હિ.સ.) વડોદરાની એમકેજીએમ સ્કૂલ ખાતે આયોજિત 6મી જુનિયર અને સિનિયર ઓફિશિયલ સ્ટેટ તાઈકવાન્ડો ચેમ્પિયનશિપ 2026માં બોટાદની આદર્શ ડીએલએસએસ શાળાની બોય્સ અને ગર્લ્સ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં કડક સ્પર્ધા વચ્ચે ડીએલએસએસના ખેલાડીઓએ પોતાના કૌશલ્ય અને મહેનતનો શ્રેષ્ઠ પરિચય આપ્યો.
આ ચેમ્પિયનશિપ દરમિયાન બોય્સ ટીમના ખેલાડીઓએ વિવિધ વજન કેટેગરીમાં ઉતરી ઉત્તમ તકનીક અને આત્મવિશ્વાસ સાથે મેડલ જીત્યા હતા. ગર્લ્સ ટીમે પણ કોઈ રીતે પાછળ ન રહી શાનદાર લડત આપીને અનેક મેડલ પોતાના નામે કર્યા હતા. ખેલાડીઓએ રિંગમાં દેખાડેલી શિસ્ત, ઝડપ અને ફાઇટિંગ સ્પિરિટને દર્શકો અને નિરિક્ષકો દ્વારા ખાસ પ્રશંસા મળી હતી.
ટીમના કોચ અને ટ્રેનર્સ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શન અને સતત પ્રેક્ટિસનો આ પરિણામ હોવાનું શાળાના સંચાલકોએ જણાવ્યું હતું. ખેલાડીઓની આ સિદ્ધિથી બોટાદ જિલ્લાનું નામ રાજ્યસ્તરે ગુંજાયું છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.
આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો અને વાલીઓએ પણ ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આદર્શ ડીએલએસએસ શાળાની આ સફળતા એ દર્શાવે છે કે, યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડવામાં સફળ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT