
પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ અને મૂલ્યાંકનમાં બેદરકારી મામલે યુનિવર્સિટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. હાલ ચાલી રહેલી પરીક્ષાઓના તમામ પરિણામ મે મહિનાના અંત સુધીમાં જાહેર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ મૂલ્યાંકન કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઈ પ્રોફેસરોને કડક ચેતવણી આપી છે કે ઉત્તરવહી તપાસમાં વિલંબ અથવા ભૂલ થશે તો શિસ્તભંગની કાર્યવાહી થશે. હાલમાં નિરીક્ષણ દરમિયાન કોઈ ગંભીર બેદરકારી સામે આવી નથી.
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાના જણાવ્યા મુજબ, GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાને કારણે સ્નાતક અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના પરિણામોને પ્રાથમિકતા આપી 15 મે સુધીમાં જાહેર કરાશે. ત્યારબાદ 45 દિવસમાં તમામ પરિણામો પૂર્ણ કરવાની યોજના છે.
પરીક્ષા વિભાગે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નિરીક્ષકો અને સમીક્ષકો પર નજર વધારી છે અને વન-ટુ-વન સંપર્ક દ્વારા કામગીરીની સમીક્ષા કરી રહી છે. જે કોર્સનું મૂલ્યાંકન પૂર્ણ થયું છે તેના પરિણામો તાત્કાલિક પોર્ટલ પર અપલોડ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ