વર્ષ 2019 માં થયેલ હત્યાના કેસમાં તમામ આરોપીને આજીવન કેદની સજા.
પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદર શહેરના છાંયા ચોકી વિસ્તારમાં વર્ષ 2019 માં બનેલા અને સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાડનારા મિલકત પચાવી પાડવાના ઈરાદે થયેલા મર્ડર, અપહરણ અને કાવતરાના કેસમાં પોરબંદરની એડીશનલ સેશન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્ય
વર્ષ 2019 માં થયેલ હત્યાના કેસમાં તમામ આરોપીને આજીવન કેદની સજા.


પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદર શહેરના છાંયા ચોકી વિસ્તારમાં વર્ષ 2019 માં બનેલા અને સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાડનારા મિલકત પચાવી પાડવાના ઈરાદે થયેલા મર્ડર, અપહરણ અને કાવતરાના કેસમાં પોરબંદરની એડીશનલ સેશન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. મિલકતની લાલચમાં પોતાના જ સગા જેઠની હત્યાકરી, લાશને સગેવગે કરનાર વિધવા ભાભી અને તેમના પરિવારના સભ્યોને અદાલતે જીવતે જીવ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

કમલાબાગ પોલીસ મથકમાં વર્ષ 2019 માં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી હિનાબેન હિતેષકુમાર જોષીના સસરાની કિંમતી મિલકતો હડપવા માટે આરોપી ભાભી જ્યોતીબેન નિલેષભાઈ જોષીએ 'દ્રશ્યમ'ફિલ્મી પટકથા જેવું કાવતરું રચ્યું હતું. 26/04/2019 ની રાત્રે હથિયારો સાથે ઘરમાં ઘૂસી, હિતેષભાઈ અને પરિવારનું અપહરણ કરી, તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ફરિયાદી મહિલાએ બેભાન હોવાનો ઢોંગ કરી પોતાની જાન બચાવી હતી અને બાદમાં આ આખાય ખૂની ખેલનો પર્દાફાશ કર્યો હતો.

આ કેસમાં એડીશનલ સેશન્સ જજ પી. એચ. શર્માએ જ્યોતિ નિલેષ જોષી (વિધવા ભાભી-મુખ્ય સૂત્રધાર), વિભૂતિબેન શિવમ જોષી, રવિ નિલેષભાઈ જોષી , યશ અશોકભાઈ પાંજરી (મિત્ર) અને કૃપાબેન નિલેષભાઈ જોષી ને તકસીરવાન ઠેરવીને પાંચેયને આજીવન કેદની સજા ફટકારી છે.આ કેસમાં એક આરોપી કૃપાબેન નિલેષભાઈ જોષી ગુના સમયે 16 વર્ષ અને 6 માસની કિશોર વયના હોવા છતાં, ગુનાની અત્યંત ભયાનકતા અને ગંભીરતાને જોતા નામદાર અદાલતે તેને “જુવેનાઈલ જસ્ટિસ એક્ટ' ની કલમ-15 હેઠળ પુખ્ત વયની ગણીને કેસ ચલાવ્યો હતો.ન્યાયતંત્રે આ ચુકાદાથી સાબિત કર્યું છે કે જઘન્ય અપરાધમાં ઉંમરના નામે કોઈ રાહત મળી શકે નહીં, અને આ કિશોરીને પણ અન્ય આરોપીઓની જેમ જ આજીવન કેદની સજા ફટકારી છે.

આ જટિલ કેસને અદાલતમાં પુરવાર કરવા માટે સરકારી વકીલ અનિલ જે. લીલા એ મજબૂત રજૂઆત કરી હતી. જ્યારે મૂળ ફરિયાદ પક્ષે પ્રાઈવેટ વકીલ તરીકે હર્ષ કે. લાખાણી, ગગન એલ. થાપલિયા અને દીપ્તિ એન. ચોટાઈ રોકાયેલા હતા. આ ટીમે લેખિત દલીલ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી ટેકનિકલ, વૈજ્ઞાનિક અને પારિસ્થિતિક પુરાવાઓના આધારે ગુનો નિઃશંકપણે પુરવાર કર્યો હતો અને મૂળ ફરિયાદી હિનાબેનને ન્યાય અપાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ હતી.અદાલતે આરોપીઓ દ્વારા જમા કરાવાયેલ દંડમાંથી રૂા.એક લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો પણ માનવીય હુકમ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande