
પાટણ, 29 એપ્રિલ (હિ.સ.) : રાધનપુરના ઝાપટપરા વાડી વિસ્તારમાં રહેતા જાકીરહુસેન પરમારે ઉછીના આપેલા રૂ. 11.30 લાખ પરત માંગતા મળતી ધમકીઓથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. તેમની પત્ની મુમતાજબાનુએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સુસાઇડ નોટ પણ મળી આવી છે.
માહિતી મુજબ, ચાર વર્ષ પહેલાં ખેતર વેચાણના નાણાંમાંથી ચાંદખાન બલોચે ગેરેજના ધંધા માટે વિશ્વાસમાં લઈ અલગ-અલગ સમયે રૂપિયા ઉછીના લીધા હતા. બાદમાં નાણાં પરત માંગતા ચાંદખાન બલોચ સહિત અન્ય લોકોએ હાથ-પગ તોડી નાખવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપી હતી.
આ માનસિક ત્રાસથી કંટાળીને જાકીરહુસેને આરોપીના ઘર આગળ ઝેર પી લીધું. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા. પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 108, 351(3), 316 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ