
- આગામી 11મી મેના રોજ વડોદરાનો પ્રવાસ સરદારધામના ભવ્ય કાર્યક્રમમાં આપશે હાજરી
- પાટીદાર સમાજના દીકરા દીકરીઓને માર્ગદર્શન અને વિઝન સાથે આપશે માર્ગદર્શન
-ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ- મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે સાથે
ભરૂચ, 29 એપ્રિલ (હિ.સ.) : ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડોદરા ખાતે સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ પ્રવાસ નક્કી
પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ સરદારધામના હોદ્દેદારો સાથેની તેમની દિલ્હી ખાતેની મુલાકાતનું પરિણામ છે. થોડા સમય પૂર્વે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને ટ્રસ્ટીઓએ દિલ્હી જઈને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ વડાપ્રધાનને ગુજરાત પધારવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રવાસનો વાયદો પૂર્ણ
સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીમાં મળેલી મુલાકાત વખતે વડાપ્રધાન મોદીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગુજરાત આવવાની તૈયારી દર્શાવી હતી. પોતાનો એ વાયદો પૂર્ણ કરતા વડાપ્રધાન હવે 11મી મેના રોજ વડોદરા આવી રહ્યા છે, જે બાબતે સરદારધામના ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં ભવ્ય સ્વાગતની તૈયારી
વડાપ્રધાનના આગમનને લઈને વડોદરામાં ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અભિવાદન કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદારધામની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંકલન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને સુરક્ષા એજન્સીઓ પણ અત્યારથી જ સતર્ક બની ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ