

પોરબંદર, 29 એપ્રિલ (હિ.સ.)પોરબંદરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં રાજકીય પરિસ્થિતિ સ્પષ્ટ બની ગઈ છે. પોરબંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ત્રણે તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન યથાવત રહેવાનું નિશ્ચિત બન્યું છે. ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહી હતી.
ગઈ કાલે જાહેર થયેલા પરિણામો મુજબ પોરબંદર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી ભાજપના ઉમેદવારો ભવ્ય બહુમતી સાથે વિજયી બન્યા છે. આ જીત માત્ર રાજકીય વિજય નહીં, પરંતુ શહેરના મતદાતાઓએ ભાજપના વિકાસ મોડેલ પર મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.
હવે ચૂંટણીના પરિણામો બાદ સૌથી વધુ ચર્ચાનો વિષય બની રહ્યો છે – “પોરબંદર મનપાનો પ્રથમ મેયર કોણ બનશે?” પ્રાપ્ત વિગતો મુજબ મહાનગરપાલિકાની પ્રથમ બોડીમાં મેયર પદ પુરુષ અને જનરલ કેટેગરીમાંથી આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે ભાજપના વિજયી બનેલા 52 ઉમેદવારોમાં બે નામ ખાસ ચર્ચામાં છે.મેયર પદ માટે પ્રથમ નામ સાગર રાજેશભાઈ (મનુભાઈ) મોદીનું આગળ ચાલી રહ્યું છે, જે હાલ રાજકીય વર્તુળોમાં સૌથી વધુ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.સાથે સાથે નીરવ ભાગ્યવિજયભાઈ દવેનું નામ પણ મેયરની રેસમાં મહત્વપૂર્ણ રીતે સામે આવી રહ્યું છે. બંને ઉમેદવારોને લઈને પક્ષના આંતરિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. પોરબંદર મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરતાં વિકાસને પ્રાથમિકતા આપી છે. હવે નવા મેયરના નેતૃત્વ હેઠળ શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા મળે તેવી આશા નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે. શહેરના માળખાગત વિકાસ, સુવિધાઓમાં વધારો અને સ્વચ્છતા સહિતના મુદ્દાઓ પર વધુ ઝડપથી કામ થશે તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya