વલસાડમાં ધોળે દિવસે લૂંટ: વૃદ્ધા અને કામવાળીને બંધક બનાવી ₹3.86 લાખની ચોરી
વલસાડ , 29 એપ્રિલ (હિ.સ.) વલસાડ શહેરમાં ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ત્રણ અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધાના ઘરમાં ઘૂસી તેમને અને તેમની કામવાળીને બંધક બનાવી રોકડ અને દાગીના સહિત કુલ ₹3.86 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મ
પ્રતિકાત્મક તસ્વીર


વલસાડ , 29 એપ્રિલ (હિ.સ.) વલસાડ શહેરમાં ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ત્રણ અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધાના ઘરમાં ઘૂસી તેમને અને તેમની કામવાળીને બંધક બનાવી રોકડ અને દાગીના સહિત કુલ ₹3.86 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં 25 થી 35 વર્ષની વયના ત્રણ અજાણ્યા ઇસમો લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે ઘરના માલિક રંજનબેન પારેખ અને તેમની કામવાળી નીતાબેન રાઠોડને ચપ્પુ બતાવી ધમકાવી દીધા હતા.

લૂંટારુઓએ ઘરમાંથી ભગવાનની ચાંદીની મૂર્તિઓ, આશરે ₹60,000 રોકડા અને એક મોબાઈલ ફોન સહિત કિંમતી સામાન લૂંટી લીધો હતો. લૂંટ બાદ તેઓએ પકડાઈ જવાની ભીતિથી વૃદ્ધા અને કામવાળીના હાથ-પગ ઓઢણી અને ટુવાલના કટકાઓ વડે બાંધી તેમને બંધક બનાવી દીધા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે લૂંટારુઓને ઝડપવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને તપાસ તેજ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande