
ગીર સોમનાથ, 03 એપ્રિલ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના ઘંટીયા-પ્રાચી વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી ખુટિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ભય અને અસુરક્ષા ફેલાઈ રહી છે.
વિસ્તારમાં અવારનવાર આંખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને હાઇવે રોડ પર આ પ્રકારની ઘટનાઓ વધતા વાહન વ્યવહાર માટે ગંભીર જોખમ ઉભું થયું છે. ઝડપથી દોડતા વાહનો વચ્ચે અચાનક આ રીતે આખલાઓ લડી પડતા અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અનેક વખત આ આખલાઓ વચ્ચેના ઝઘડાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ઉપરાંત, રસ્તા પર પસાર થતા રાહદારીઓ અને બે-ચાકીયા વાહનચાલકો માટે ખાસ કરીને જીવનું જોખમ ઉભું થયું છે.
આ સમસ્યા અંગે સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કડક અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈને રસ્તા પર ફરી રહેલા ખુટિયાઓને કાબૂમાં લે અને આવા જોખમી બનાવોને અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરે, જેથી જનજીવન સુરક્ષિત બની શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ